હાલમાં ભારત સરકારે આતંકવાદી જૂથ પર આકરા પગલા લીધા છે. ભારત સરકારે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. ટીઆરએફ પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું જ એક જૂથ છે. આ આંતકવાદી સંગઠન જમ્મુ-કાશ્મીરમાં અનેક ટાર્ગેટ કિલિંગમાં સંકળાયેલું હોય છે. ગૃહ મંત્રાલયે ગઈકાલે ટીઆરએફ પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ ઉપરાંત, ગૃહ મંત્રાલયે ટીઆરએફ કમાન્ડર શેખ સજ્જાદ ગુલને પણ ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ 1967 હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર, ટીઆરએફ આતંકવાદી પ્રવૃત્તિઓને આગળ વધારવા, આતંકવાદીઓની ભરતી કરવા, આતંકવાદીઓની ઘૂસણખોરી કરવા અને પાકિસ્તાનથી જમ્મુ અને કાશ્મીરમાં શસ્ત્રો અને નશીલા દ્રવ્યોની દાણચોરી કરવા માટે ઑનલાઇન માધ્યમ દ્વારા યુવાનોની ભરતી કરે છે. ટીઆરએફ 2019 માં પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી સંગઠન તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. લશ્કર-એ-તૈયબા 26/11ના મુંબઈ આતંકી હુમલા સહિત અનેક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે.
ટીઆરએફ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ઉંઊં ના યુવાનોને ભારત સરકાર વિરુદ્ધ ઉશ્કેરવા અને તેમને આતંકવાદી સંગઠનોમાં જોડાવા માટે આકર્ષિત કરી રહી છે. ટીઆરએફની આવી ગતિવિધિઓને જોતા ગૃહ મંત્રાલયે આ જૂથને પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું હતું. ગૃહ મંત્રાલયે કહ્યું કે, શેખ સજ્જાદ ગુલ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટનો કમાન્ડર છે અને તેને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ 1967 હેઠળ આતંકવાદી તરીકે જાહેર કરવામાં આવે છે. ટીઆરએફ ની પ્રવૃત્તિઓ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે પ્રતિકૂળ છે. આતંકવાદીઓ અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના સહયોગીઓ સામે પણ મોટી સંખ્યામાં કેસ નોંધવામાં આવ્યા છે.