કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતાં ખેતમજૂર યુવાન બાઈક પર જતો હતો તે દરમિયાન રસ્તામાં ખુટીયો આડો આવતા બાઈક સાથે અથડાતા યુવાન પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચવાથી મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, મહિસાગર જિલ્લાના કોટવટ ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના નિકાવા ગામની સીમમાં આવેલા રાજેશભાઈના ખેતરમાં મજૂરી કામ કરતા જેન્તીભાઈ રૂમાલભાઈ વળવાઈ (ઉ.વ.35) નામનો યુવાન બુધવારે સાંજના સમયે તેના જીજે-03-જેજી-1638 નંબરના બાઈક પર નિકાવા તરફ આવતા હતાં ત્યારે રાજકોટ માર્ગ પર દલુડી નદીના પુલ પર પહોંચ્યા ત્યારે એકાએક બાઈક આડે ખુટીયો આવીને અથડાતા ગમખ્વાર અકસ્માતમાં જેન્તીભાઇને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પુર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ સનાભાઈ દ્વારા જાણ કરાતા હેકો જી.આઈ. જેઠવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.