જામનગરના શંકરટેકરી વિસ્તારમાંથી સીટી-સી પોલીસે ત્રણ શખ્સોને સિક્કા ઉછાળનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 55,424ની રોકડ સહિત કુલ રૂા. 75,424નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ જુગાર દરોડા દરમિયાન નાશી જનાર અન્ય ચાર શખસોની શોધખોળ હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં કાદરીચોક પાછળ જાહેરમાં સિક્કા ઉછાળી કાટછાપ દ્વારા પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી-સી પોલીસે રેઇડ દરમિયાન શબ્બીર અબ્બાસ ખફી, જેનુલ મુસા મનોરીયા તથા જુનેદ યુનુસ બાબવાણી નામના ત્રણ શખ્સોને રૂા. 55,424ની રોકડ તથા રૂા. 20,000ની કિંમતના બે નંગ મોબાઇલ મળી કુલ રૂા. 75,424ના મુદ્દામાલ સાથે જુગાર રમતાં ઝડપી લીધા હતાં દરોડા દરમિયાન નાશી જનાર ઇનુસ ઉર્ફે વાંદરી, હાજી ગફાર, એઝાઝ, રહીમ ઉર્ફે મીંઢો સહિત ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.