દેશભમાં 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જામનગર જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આયોજન અંગે કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેકટર ડૉ. સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ભુચરમોરી ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમની શાનદાર રીતે ઉજવણી થાય તેના ભાગરૂપે વિવિધ વિભાગના અધિકારીઓને કલેકટર દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી તે દિશામાં કામગીરી કરવા જણાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, પ્રાંત અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.