લગભગ એક વર્ષથી ચાલી રહેલું રશિયા, યુક્રેન યુધ્ધ સમાપ્ત થાય તેવા કોઇ અણસાર જણાતા નથી. કયારેક નરમ તો કયારેક ગરમ તબકકામાં સતત ચાલી રહેલાં યુધ્ધમાં રશિયા હવે નિર્ણાયક મોડમાં આવ્યું હોય તેવું જણાઇ રહયું છે.
રશિયાએ હુમલાઓ વધુ ભીષણ બનાવ્યા છે. તો બીજી તરફ યુક્રેન પણ રશિયન હુમલાઓનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રશિયાએ યુક્રેનના અનેક વિસ્તારોમાં ભીષણ મિસાઇલ મારો ચલાવતાં ભારે ખાનાખરાબી સર્જાઇ છે. રશિયાના આ હુમલના વિરોધમાં યુક્રેને પણ દાગેલી મિસાઇલ રશિયન સૈનિકોના કેમ્પ પર ખાબકતાં 63થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયાનો દાવો કરવામાં આવ્યો છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે સોમવારે કહ્યું કે પૂર્વી ડોનેત્સ્ક ક્ષેત્રમાં યુક્રેનના રોકેટ હુમલામાં તેના 63 સૈનિકો માર્યા ગયા છે. રશિયાના નિયંત્રણ હેઠળના ડોનેત્સ્ક વિસ્તારમાં જ્યાં રશિયન સૈનિકો તૈનાત હતા ત્યાં યુક્રેનિયન રોકેટ ઝીંકાયા હતા.