જૈનોના પવિત્ર તિર્થધામ પાલિતાણામાં અસામાજિક તત્વો દ્વારા થયેલા નુકસાનથી જૈન સમાજના આક્રોશ બાદ રાજ્ય સરકાર દ્વારા પાલિતાણાના જૈન મંદિરો તથા પ્રવાસીઓની સુરક્ષા વધારવાનો નિર્ણય કર્યો છે. પાલિતાણામાં ડીવાયએસપીના સુપરવિઝન હેઠળ 36 જેટલા અધિકારીઓ તથા જવાનોની ટીમ તૈનાત રહેશે. આ ટીમ ટ્રાફિક, પાર્કિંગ, ડોલી નિયમન સહિતની જવાબદારીઓ પણ સંભાળશે. જૈનોના પવિત્ર તિર્થધામ એવા પાલિતાણામાં ભગવાનના પ્રાચીન પગલાને અસામાજિક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવતાં જૈન સમાજમાં આ મામલે પ્રચંડ આક્રોશ ફાટી નિકળ્યો છે. જૈન સમાજ દ્વારા આ અંગે વિરોધ દર્શાવી કડક કાર્યવાહી અને યોગ્ય પગલા લેવા માગણી કરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જૈન સમાજના આક્રોશ બાદ પાલિતાણાના જૈન મંદિરોની સુરક્ષા વધારવા તાત્કાલિક ધોરણે નિર્ણય લીધો છે અને પાલિતાણામાં સુરક્ષા માટે ખાસ પોલીસ ટીમ તૈનાત રાખવા નિર્ણય કર્યો છે. પાલિતાણામાં અસામાજિક તત્વો દ્વારા થયેલા નુકસાન સામે જૈન સમાજ આગબબૂલા થયો હતો અને ઠેર-ઠેર રેલીઓ યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ત્યારે ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમાર તથા જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ દ્વારા પાલિતાણા જૈન મંદિરોની સુરક્ષા વ્યવસ્થાની સમિક્ષા કરવામાં આવી હતી અને સલામતિ બંદોબસ્ત વધારવાનો નિર્ણય કરાયો હતો. જેમાં સ્પેશિયલ પોલીસ ટીમ તૈનાત કરવામાં આવશે. આ સ્પેશિયલ પોલીસ ટીમમાં એક પીએસઆઇ, બે એએસઆઇ, ત્રણ હેડ કોન્સ્ટેબલ તથા બાર કોન્સ્ટેબલ સહિતના અધિકારીઓ અને જવાનોની ફાળવણી કરવામાં આવી છે. જેઓ ડીવાયએસપી કક્ષાના અધિકારીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરશે.
આ ઉપરાંત પાલિતાણા જૈન મંદિરો નજીક ટ્રાફિક પ્રશ્ર્નોના નિવારણ અર્થે તથા શ્રધ્ધાળુઓને કોઇ અગવડ ન રહે તે માટે પાંચ ટ્રાફિક જવાન, પાંચ મહિલા હોમગાર્ડ તથા આઠ ટીઆરબી જવાનોને તૈનાત રાખવા પણ નિર્ણય કરાયો છે. પોલીસની આ ખાસ ટીમોને શેત્રુંજ્ય પર્વતની સુરક્ષા તથા શ્રધ્ધાળુઓની સલામતિ ઉપરાંત ટ્રાફિક નિયમન, દબાણ, યાત્રી હેલ્પડેસ્ક, મહિલાઓની સુરક્ષા, ડોલી નિયમન તથા એન્ટ્રી ચેકિંગ સહિતની જવાબદારી રહેશે.
પાલિતાણા તીર્થને સજ્જડ સુરક્ષા
ડીવાયએસપીના વડપણ હેઠળ 36 જેટલા અધિકારીઓ જવાનોની ટીમ તૈનાત રહેશે