ગુજરાત રાજ્યમાં ધારાસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપા દ્વારા ગુજરાતમાં જિલ્લા પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય-કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. જામનગર-સુરેન્દ્રનગરના પ્રભારી તરીકે મંત્રી મુળુભાઇ બેરા તથા દ્વારકાના પ્રભારતી તરીકે મંત્રી કુવરજીભાઇ બાવળિયાની નિમણૂંક કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં ધારાસભા-2022ની ચૂંટણી પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલ તથા નવા મંત્રીઓની નિમણૂંક કરવામાં આવી હતી. ત્યારબાદ ગઇકાલે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય-કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલની રાજકોટ અને જુનાગઢના પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
અગાઉ કોંગ્રેસી મૂળના જવાહરભાઈ ચાવડા અહીંના પ્રભારી હતા. ત્યારબાદના પ્રભારી બ્રિજેશ મેરજા પણ મૂળ કોંગ્રેસી હતા. આ પછી ગઈકાલે થયેલી નિયુક્તિમાં કુંવરજીભાઈ બાવળિયાને દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે મૂકવામાં આવ્યા છે. જે અગાઉ કોંગ્રેસમાં હતા. જો કે કુંવરજીભાઈ પીઢ તથા અનુભવી મંત્રી હોય, ગતવખતેના પ્રભારીની દ્વારકા જિલ્લા પ્રત્યેની નબળી મનાતી કામગીરી આ વખતે સુદ્રઢ બનશે અને જિલ્લાનો વિકાસ થશે તેવું માનવામાં આવી રહ્યું છે.
આ સાથે ખંભાળિયાના ધારાસભ્ય તથા અગાઉના જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ જામનગરથી ધારાસભા લડી ચૂકેલા મુળુભાઈ બેરાને જામનગર તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે મૂકવામાં આવતા પાંચમી વખત મંત્રી બનેલા મુળુભાઈના બહોળા અનુભવનો લાભ જામનગર તથા સુરેન્દ્રનગર જિલ્લાને મળશે.