તા. 25 ડિસેમ્બરના રોજ ઇસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી કરવામાં આવે છે. જામનગર સહિત દેશભરમાં ગઇકાલે નાતાલ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ હતી. જામનગર શહેરના લિમડાલાઇન વિસ્તારમાં આવેલા સેક્રેટ હાર્ટ ચર્ચમાં રાત્રીના ઇસુ જન્મના વધામણા કરવામાં આવ્યા હતાં. ચર્ચમાં નાતાલ પર્વ નિમિત્તે સમુહ પ્રાર્થના યોજાઇ હતી. તેમજ ઇસુના પ્રાગટયને લગતાં બાઇબલના કથનો અને સમુહગીતનું ગાન કરવામાં આવ્યું હતું. સેક્રેટ હાર્ટ ચર્ચ ઉપરાંત સેન્ટઝેવિયર્સ સ્કૂલ, સેન્ટફ્રાન્સીસ સ્કૂલ સહિતની મિશનરી શાળાઓમાં રોશનીના શણગારની સાથે સાથે ઇસુ જન્મને દર્શાવતાં સેટ તેમજ અલગ-અલગ આકર્ષક ફલોટસ બનાવવામાં આવ્યા હતાં. જેને જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતાં. ગઇકાલે નાતાલ પર્વની અને રવિવારની રજા સાથે હોય, ઠંડીના ચમકારા વચ્ચે પણ લોકો નાતાલ પર્વની ઉજવણી નિહાળવા નિકળ્યા હતાં. શહેરની મિશનરી શાળાઓ પાસે ભારે ભીડ જામી હતી. તેમજ અનેક દુકાનો તેમજ મોલની બહાર શાંતાક્લોઝએ પણ બાળકોમાં અનેરૂં આકર્ષણ જગાવ્યું હતું.