આવતીકાલે રવિવારે 25 ડિસેમ્બરના રોજ દેશના પૂર્વ વડાપ્રધાન અને ભાજપના ગૌરવ સમા નેતા સ્વ. અટલબિહારી બાજપાઈના જન્મદિવસની સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. દ્વારકા જિલ્લામાં પણ ભાજપ દ્વારા આ ઉજવણી માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. જિલ્લાના તમામ 10 મંડળોમાં બુથ પ્રમુખ, બુથ જોડી તથા પેજ પ્રમુખો દ્વારા સવારે 10 થી 11 વાગ્યા સુધી બાજપાઈજીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. સવારે 11 થી 11:30 સુધી વડાપ્રધાન મોદીની મન કી બાત સાંભળવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
જિલ્લામાં યુવા મહિલા તથા તમામ મોરચા દ્વારા સમગ્ર સપ્તાહ દરમિયાન કેન્દ્ર સરકારની યોજનાઓ અંગેની જાણકારી લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે. સાથે સાથે અટલજીને કાવ્યાંજલિ આપવી તથા ડબલ એન્જિન સરકારની સુશાસન કામગીરીની બાબતો આમ જનતા સુધી પહોંચાડવાના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ કાર્યક્રમો માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલના માર્ગદર્શન હેઠળ મહામંત્રી મયુરભાઈ ગઢવી, યુવરાજસિંહ વાઢેર તથા સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.