જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર વિસ્તારમાં રહેતા વેપારી વૃધ્ધની જવેલર્સની દુકાને આવેલા અજાણ્યા તસ્કરે વૃધ્ધની નજર ચૂકવી ચાંદીની લકકી સહિતના દાગીનાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડનાકા બહાર આવેલી સિલ્વર સોસાયટીમાં રહેતાં કેજારભાઈ મામુજીભાઈ સોની નામના વૃધ્ધની જૂની સોની બજાર શિતળા માતાજીના મંદિરમાં આવેલી હુશેની જ્વેલર્સ નામની દુકાનમાં રવિવારે સવારના સમયે અજાણ્યો તસ્કરો ગ્રાહક બનીને દાગીનાની ખરીદી કરવા માટે આવ્યો હતો તે દરમિયાન તસ્કરે વૃધ્ધ વેપારીની નઝર ચૂકવીને રૂા.11500 ની કિંમતના 150 ગ્રામ ચાંદીના બે જોડી સાંકળા અને રૂા.1500 ની કિંમતની 12 ગ્રામ વજનની ચાંદીની એક લકકી મળી કુલ રૂા.13 હજારની કિંમતના ચાંદીના દાગીના ચોરી કરી ગયો હતો. ત્યારબાદ આ અંગેની જાણ થતા વેપારીએ અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એએસઆઈ ડી.એસ.પાંડોર તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તસ્કરનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.