ભારતના છેવાડાના વિસ્તાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિશાળ દરિયા કિનારો આવેલો છે. અહીં મોટી સંખ્યામાં માછીમારો બોટ મારફતે માછીમારી કરે છે. ત્યારે જિલ્લાના નાવદ્રા બંદર નજીકથી એક આસામી દ્વારા લાંગર કરવામાં આવેલી ફિશિંગ બોટ રાત્રિના સમયે ચોરી થઈ ગઈ હતી. આટલું જ નહીં, નજીકમાં રહેલી એક આસામીનું બોટનું મશીન તથા અન્ય એક આસામીનું 30 લીટર પેટ્રોલ પણ ચોરાયું છે. જે સંદર્ભે પોલીસ ફરિયાદ બાદ તંત્ર દ્વારા વિવિધ દેશોમાં તપાસ ચલાવાઈ રહી છે.
આ ચકચારી પ્રકરણની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના નાવદ્રા બંદર વિસ્તારમાં રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા સબીરભાઈ અબુભાઈ પટેલિયા નામના 40 વર્ષના મુસ્લિમ મછીયારા યુવાને આજથી આશરે દોઢેક વર્ષ પહેલા એક આસામી પાસેથી બરકત નામની ફિશિંગ બોટ ખરીદી હતી. જેનો કોઈ કોલ કે રજીસ્ટ્રેશન કરાવાયું ન હતું.
આ બોટ દ્વારા તેમના તથા તેમના બે પુત્રો દ્વારા માછીમારી કરવામાં આવતી હતી. છેલ્લા દિવસો દરમિયાન ઉપરોક્ત આસામીના બંને દીકરાઓ બરકત બોટ મારફતે માછીમારી કરતા હતા. આ દરમિયાન શનિવારે રાત્રિના આશરે દસેક વાગ્યે માછીમારી કરી, બંને યુવાનોએ દરિયાકાંઠે બોટ લાંગરી, ઘરે પરત પહોંચ્યા બાદ ગઈકાલે સોમવારે સવારે માછીમારી કરવા જવા માટે નીકળતા તેમની બોટ નિયત જગ્યાએથી ગુમ જણાઈ હતી.
આસપાસના વિસ્તારમાં તપાસ કરતા આ બોટનો કોઈ પતો લાગ્યો ન હતો. જે અંગે વધુ તપાસ દરમિયાન સ્થાનિક રહીશ ઈશા અયુબ પટેલિયાની તકદીર બોટની અંદરથી બોટ ચલાવવાનું યામાહા કંપનીનું 8 હોર્સ પાવરનું મશીન પણ ગાયબ હતું. આટલું જ નહીં, થોડે દૂર ગફુરભાઈ જુસબભાઈ ઇસબાણી નામના એક આસામીની ચાંદ કે પાર ચલો નામની લાંગરવામાં આવેલી બોટમાંથી 30 લીટર પેટ્રોલ ભરેલી પેટ્રોલની ટાંકી પણ જોવા મળી ન હતી.
આમ, રવિવારે રાત્રિના સમયે સફરજન (એપલ) દોરેલી રૂપિયા 30,000 ની કિંમતની બરકત નામની બોટ તેમજ રૂપિયા 50,000 નું આઠ હોર્સ પાવરનું મશીન અને રૂપિયા 3,000 ની કિંમતના પેટ્રોલ મળી, કુલ રૂપિયા 83,000 ના મુદ્દામાલની ચોરી થવા સબબ નાવદ્રાના સબીરભાઈ અબુભાઈ પટેલીયાએ કલ્યાણપુર પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર બનાવવા અંગે કલ્યાણપુર પોલીસ આઈપીસી કલમ 379 મુજબ ગુનો નોંધ્યો છે. આ બનાવ બનતા અહીંના ડી.વાય.એસ.પી. તથા સ્ટાફ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.