જામનગર શહેરના નવાગામ ઘેડ માસ્તર સોસાયટી વિસ્તારમાં જૂની બોલાચાલી બાદ સમાધાન થયા પછી મનમાં ખાર રાખી ત્રણ શખ્સોએ યુવાન ઉપર લોખંડના પાઈપ અને છરી વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ માસ્તર સોસાયટી વિસ્તારમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા મહેન્દ્રસિંહ જાડેજાના મિત્ર હિતેન્દ્રસિંહ સાથે થોડા દિવસ અગાઉ બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બન્ને મિત્રો વચ્ચે સમાધાન થઈ ગયું હતું. આ સમાધાન ન ગમતા રવિવારે સાંજના સમયે જયપાલસિંહ ઉર્ફે લાલો રણજીતસિંહ ઝાલા તથા બે અજાણ્યા સહિતનાએ એકસંપ કરી મહેન્દ્રસિંહ ઉપર લોખંડના પાઈપ અને છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ઉપરાંત ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એ.વી.વણકર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મહેન્દ્રસિંહના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.