જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખામાં દબાણ નિરિક્ષક તરીકે જવાબદારી સંભાળતાં કર્મચારીને સિક્યુરીટી ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકામાં કર્મચારીઓની ભરતી થતી ન હોવાથી છેલ્લા કેટલાંક સમયથી સ્ટાફનો અભાવ જોવા મળે છે. સ્ટાફના અભાવે જામ્યુકોની અનેક શાખાઓના કર્મચારીઓ તથા અધિકારીઓ બે-બે-ત્રણ-ત્રણ ચાર્જ લઇ વધારાનો કાર્યબોજનો સામનો કરવો પડે છે. જેની અસર કામગીરી ઉપર પણ પડતી હોય છે. આવો જ એક વધુ ચાર્જ સોંપવાનો આદેશ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખામાં દબાણ નિરિક્ષક અને સિક્યુરીટી ઓફિસર તરીકે ફરજ બજાવતાં રાજભા ચાવડા અને ચીફ માર્શલ પ્રવિણભાઇ શ્રીમાળી ગત તા. 30 નવેમ્બરના રોજ નિવૃત્ત થયા હતાં. ત્યારે નિવૃત્ત થયેલા રાજભાને સ્થાને સિક્યુરીટી ઓફિસર તરીકે હાલ દબાણ નિરિક્ષક તરીકે કાર્યરત સુનિલભાઇ ભાનુશાળીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.