ખંભાળિયા નજીકના હાઈ-વે માર્ગ પર આજરોજ ચઢતા પહોરે બે મોટરસાયકલ વચ્ચે થયેલી ટક્કરમાં સલાયા પંથકમાં રહેતા બે યુવાનોના મૃત્યુ નીપજ્યાનું જાણવા મળ્યું છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાથી સલાયા તરફ જતા રસ્તે અત્રેથી આશરે 8 કિલોમીટર દૂર સોડસલા ગામ નજીક આજરોજ મળસ્કે બે મોટરસાયકલ વચ્ચે સામસામે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સુલતાન અકબર જસરાયા અને જયદીપસિંહ ભોજુભા સોઢા નામના બે યુવાનોના મૃત્યુ નીપજ્યાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં અન્ય એક યુવાનને પણ ઈજા થયાનું પણ બિનઆધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ બનાવ બનતા સલાયા મરીન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. અકસ્માતના આ બનાવે મૃતક યુવાનોના પરિવારજનોમાં ભારે કરુણતા પ્રસરાવી છે.