ખંભાળિયા શહેરના વિનાયક સોસાયટી વિસ્તારમાં થોડા સમય પૂર્વે એક રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ચોરી થયાનો બનાવ નોંધાયો હતો. જે સંદર્ભે જિલ્લા એસ.ઓ.જી. પોલીસે તાકીદની કાર્યવાહી કરી, વાડીનારના એક મુસ્લિમ વાઘેર શખ્સને ઝડપી લીધો હતો.
ખંભાળિયાના વિનાયક સોસાયટી વિસ્તારમાં રહેતા એક ગરાસીયા પરિવારના લોકો તાજેતરમાં તેમના વતન ગયા હતા, ત્યારે પાછળથી આ મકાનના તાળા તોડી અહીં રાખવામાં આવેલા દાગીના તથા રોકડ રકમની ચોરી થયાનો બનાવ અહીંના પોલીસ મથકમાં નોંધાયો હતો. જેના અનુસંધાને જિલ્લા એસ.ઓ.જી. ટીમ દ્વારા હાથ કરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના રાજેન્દ્રસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયાના નવા નકા વિસ્તારમાં કિંમતી સોનાના દાગીનાનું વેચાણ કરવા આવેલા તાલબ ઉર્ફે બોચીયો અબ્દુલ ઉમર સુંભણીયા (રહે. વાડીનાર) નામના 50 વર્ષના મુસ્લિમ વાઘેર શખ્સની અટકાયત કરી, તેની તલાશી લેતા તેની પાસેથી 33.850 ગ્રામનું મંગલસૂત્ર તથા રૂપિયા 5,700 રોકડા મળી આવ્યા હતા.
આ શખ્સની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા તેણે વિનાયક સોસાયટી ખાતેના રહેણાંક મકાનમાંથી ચોરી કરી હોવાની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી. જેથી એસ.ઓ.જી. પોલીસે તેની અટકાયત કરી, તેનો કબજો ખંભાળિયા પોલીસને સોંપ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. રાજભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજા, ખેતશીભાઈ મુન, કરણકુમાર સોંદરવા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.


