જામનગરમાં સમર્પણ રોડ પરના વિસ્તારમાં રહેતાં અને બ્રાસના ભંગારના વેપારી પાસેથી બે શખ્સોએ રૂા.13 લાખનો ભંગાર મંગાવી પૈસા નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી વેપારીને પતાવી દેવાની ધમકી આપી હતી.
મળતી વિગત મુજબ, જામનગરમાં સમર્પણ રોડ પર રહેતાં અને ભંગારનો વ્યવસાય કરતા જયંતીભાઈ કાંતિભાઈ નંદા નામના વેપારી પાસેથી જામનગરના કલ્પેશ જયંતી વાલંભિયા અને જામજોધપુરના ચિરાગ સુરેશ અઘેરા નામના બે વેપારીઓએ તેમની ચિરાગ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ નામની પેઢી દ્વારા રૂા.13,07,316 ની કિંમતનો 2150 કિલો બ્રાસનો ભંગાર મંગાવ્યો હતો અને આ લાખોની કિંમતના ભંગાર મંગાવ્યા બાદ પૈસા આપવામાં બંને ભાગીદારો આનાકાની કરતા હતાં. જેથી જામનગરના વેપારી જયંતીભાઇ એ બન્ને પાસે નાણાંની ઉઘરાણી કરતા બન્ને શખ્સોએ પૈસા નહીં આપી વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી આચરી વેપારીને પતાવી દેવાની ધમકી આપી હતી.
છેતરપિંડીના બનાવ અંગે જયંતીભાઈ નંદા દ્વારા ચિરાગ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝના ભાગીદાર કલ્પેશ વાલંભિયા અને ચિરાગ અઘેરા નામના બે શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એચ.ડી. હિંગરોજા તથા સ્ટાફે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.