Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં ભાજપને લીડ અપાવવા વધુ એક વખત શહેર ભાજપ અગ્રક્રમે

ખંભાળિયામાં ભાજપને લીડ અપાવવા વધુ એક વખત શહેર ભાજપ અગ્રક્રમે

કોંગ્રેસના ગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા ગાબડાં

- Advertisement -

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા વિધાનસભાની યોજાઈ ગયેલી ચૂંટણી સમગ્ર રાજ્યભરમાં હાઈ પ્રોફાઈલ બની રહી હતી. અહીં ભાજપના આશરે દોઢ દાયકાના શાસન બાદ છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ પાસે રહેલી ખંભાળિયા બેઠક ભાજપે કબજે કરી છે. ભાજપના ઉમેદવારને મળેલી લીડમાં અગાઉની જેમ આ વખતે પણ ખંભાળિયા શહેરનું મહત્વનું યોગદાન રહ્યું છે.

- Advertisement -

ખંભાળિયા શહેર-નગરપાલિકામાં છેલ્લા આશરે અઢી દાયકાથી ભાજપનું શાસન છે અને શહેરની જનતાનો રૂખ મહદ અંશે ભાજપ તરફી રહ્યો છે. તે માટે શહેર ભાજપના વડપણ હેઠળ કરવામાં આવતી કામગીરી તથા આયોજનના ફળ સ્વરૂપે ભાજપ તરફી માહોલ હંમેશા બરકરાર રહ્યો છે.

તાજેતરમાં યોજાઇ ગયેલી વિધાનસભાની ચૂંટણીમાં ખંભાળિયાના શહેરના મહત્તમ મત ભાજપને મળે તે માટે શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્નાના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના કાર્યકરો તથા નગરપાલિકાના સદસ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. જે માટેના તમામ માઈક્રો પ્લાનિંગ બાદ તા. 1 ના રોજ યોજાયેલા મતદાનમાં ખંભાળિયા શહેરમાંથી ભાજપને 9514 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 3684 મત તથા આમ આદમીને 5079 મત મળ્યા હતા. આમ, ખંભાળિયા શહેરમાંથી ભાજપને કોંગ્રેસ કરતા 5830 મતની લીડ, જ્યારે આપ સામે 4435 મતની લીડ સાંપળી હતી. વધુ એક વખત લીડ અપાવવા બદલ ભાજપના વિજેતા ઉમેદવાર મુળુભાઈ બેરા તથા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના દ્વારા સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખંભાળિયા વિધાનસભાની વર્ષ 2014 ની યોજાયેલી પેટા ચૂંટણીમાં વિક્રમભાઈ માડમ વિજેતા બન્યા હતા. જ્યારે 2017 ની ચૂંટણીમાં નોંધપાત્ર મતથી તેઓ અહીં પુન: ચૂંટાઈ આવ્યા હતા. જોકે 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારો, ભાણવડ શહેર તથા મોટાભાગના ગામો સાથે ખંભાળિયાના ચાર વાડી વિસ્તારમાં મળેલા નિર્ણાયક મતોથી ભાજપ વિજેતા બન્યું હતું. અનેક ગામોમાં કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીના ઉમેદવારને વધુ મત મળ્યા હતા.

- Advertisement -

ખંભાળિયાની ચૂંટણીની મતગણતરીમાં પ્રથમ પાંચ રાઉન્ડમાં આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીએ નોંધપાત્ર લીડ મેળવી હતી. પ્રારંભમાં તાલુકાના વાડીનાર તથા સલાયા પંથક કે જ્યાંથી કોંગ્રેસને અગાઉ આશરે 12 થી 14 હજાર મતની લીડ મળી હતી, ત્યાં ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો, પરંતુ આ વખતે કોંગ્રેસ અહીં ત્રીજા સ્થાને ધકેલાઈ જતા વાડીનાર, ભરાણા વિગેરે ગામોમાંથી ભાજપને 1760 જ્યારે કોંગ્રેસને 1374 અને આમ આદમીને આશરે 4000 જેટલા મતો મળ્યા હતા. અહીં આપને 2240 ની લીડ મળી હતી.કોંગ્રેસ જ્યાંથી છેલ્લી બે ચૂંટણીઓમાં દસ હજાર જેટલી લીડ મેળવતી, ત્યાં આ વખતે સલાયામાં આમ આદમી પાર્ટીને 4645 મતોની લીડ મળી હતી. આમ, રાજકારણમાં નવા નિશાળિયા આપના ઉમેદવાર દ્વારા કોંગ્રેસના વિક્રમભાઈ માડમથી નોંધપાત્ર વધુ મત મેળવી અનોખો રેકોર્ડ સર્જ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular