પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ટાઈટલની દાવેદાર ગણાતી બ્રાઝિલની ટીમ ક્વાર્ટર ફાઈનલમાં ક્રોએશિયા સામે હારીને વર્લ્ડકપમાંથી બહાર ફેંકાતા મેજર અપસેટ સર્જાયો હતો. ક્રોએશિયાના ગોલકિપર લિવાકોવિચે બ્રાઝિલના રોડ્રિગોની પ્રથમ પેનલ્ટી કીકને અટકાવી હતી. જ્યારે માર્કિન્હોની ચોથી પેનલ્ટીથી બ્રાઝિલ વર્લ્ડકપમાંથી બહાર ફેંકાયું હતુ. ક્રોએશિયાએ તેની ચારેય પેનલ્ટી કીકને ગોલમાં ફેરવી હતી અગાઉ નિર્ધારિત સમય બાદ બંને ટીમ 0-0થી બરોબરી પર રહેતા મેચ એક્સ્ટ્રા ટાઈમમાં ખેંચાઈ હતી. નેમારે એક્સ્ટ્રા ટાઈમના હાફ ટાઈમ પહેલા જ ગોલ ફટકારતાં બ્રાઝિલને સરસાઈ અપાવી દીધી હતી. જોકે આખરી ચાર મિનિટ બાકી હતી, ત્યારે પેટ્કોવિચે ગોલ ફટકારતાં ક્રોએશિયાને બરોબરી પર લાવી દીધું હતુ.