ઓખા મંડળના પોશીત્રા વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ યુવાન તેના સસરાના ઘરે ગયો હતો, ત્યારે અહીં સાસુ, સસરા અને સાળાએ મળી અને બેફામ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ યુવાને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ સમગ્ર બનાવવા અંગે ઓખાના પોશીત્રા વાડી વિસ્તારમાં રહેતા રફીક આદમભાઈ ઉઢા નામના 24 વર્ષના સંધી મુસ્લિમ યુવાને ઓખાના બર્માસલ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા તેના સસરા રજાક કાદર સોઢા, સાસુ રોશનબેન તથા સાળા અકબર રજાક સોઢા સામે ઓખા મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી રફીક તથા તેના પત્ની રોઝીના ગત તારીખ 22 ઓગસ્ટ 2022 ના રોજ મીઠાપુર ખાતે એક ખાનગી દવાખાનામાં રઝીનાબેનના રૂટીન ચેકઅપ માટે ગયા બાદ તેની પત્નીના કહેવા મુજબ આ દંપતી સસરા રજાકભાઈના ખબર અંતર કાઢવા માટે તેમના ઘરે ગયા હતા. ફરિયાદી રફીકભાઈના સાસરે જતા તેના સસરા રજાકભાઈ, સાસુ રોશનબેન તથા સાળા અકબરે દરવાજા બંધ કરી અને એકસંપ કરી, બિભત્સ ગાળો કાઢી, પોતાના પત્ની રોઝીનાને સરખી રીતે રાખવા અને હેરાન પરેશાન ન કરવાનું કહ્યા બાદ બોલાચાલી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવથી ચિંતાગ્રસ્ત હાલતમાં ફરિયાદી રફીકભાઈએ તેની વાડીમાં જઈ અને અહીં રહેલી ખડમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ બનાવ બાદ રજાકને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
રફીકભાઈના લગ્ન આજથી આશરે સાત વર્ષ પૂર્વે થયાનું તથા તેમને છ વર્ષનો એક પુત્ર હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. અગાઉ તેના પત્નીએ સ્ત્રી અત્યાચારની કલમ મુજબ રફીકભાઈ સામે ફરિયાદ પણ આપી હતી. બાદમાં તેઓનું સમાધાન થઈ ગયું હતું. ઉપરોક્ત બનાવ અંગે ઓખા મરીન પોલીસે રફીકભાઈ ઉઢાના સાસુ, સસરા તથા સાળા સામે આઈ.પી.સી. કલમ 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધ્યો છે.


