જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ઉપર જંગી બહુમતિથી વિજેતા થયેલા રાઘવજીભાઇ પટેલે મતદારો અને કાર્યકરોનું જંગી બહુમતિથી વિજય બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને લોકોના અપાર પ્રેમ બાદ હવે બમણા જુસ્સા સાથે લોકહિતના કામો કરવાનું તેમણે જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022નું પરિણામ જાહેર થઈ ગયું છે. ત્યારે ભાજપે આ વખતે રેકોર્ડ બ્રેક જીત મેળવી છે. ભાજપે 150 કરતાં વધુ બેઠક જીતીને ઇતિહાસ રચી દીધો છે. ત્યારે જામનગર ગ્રામ્યની બેઠક પરથી રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પણ જનતા જનાર્દને જંગી બહુમત આપી વિજયી બનાવ્યા છે. રાઘવજીભાઈને આ વખતે 47 હજારથી વધુ મતો મળ્યા છે. આ જીત બાદ રાઘવજીભાઈ પટેલે પોતાના મત વિસ્તારમાં રૂબરૂ પહોંચી પોતાના મત વિસ્તારના મતદાતાઓનો હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. જે બાદ તેઓએ ભાજપ કાર્યકર્તાઓનો પણ આ તકે આભાર માન્યો હતો. રાઘવજીભાઈએ જણાવ્યું હતું કે, મારા પર અપાર સ્નેહ વરસાવી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય અપાવવા બદલ સૌ મતદારોનો આભાર વ્યક્ત કરૂ છું.લોકોનો વિશ્વાસ એળે નહીં જાય હવે બમણાં જુસ્સા સાથે લોકહિતના કામો કરીશ. હંમેશા લોકોની પડખે રહી જનહિતકારી કાર્યોની સરવાણી વહાવનાર ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓને પણ ભવ્ય વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમ જામનગર જીલ્લા ભાજપ મીડિયા સેલ ના ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમાર ની એક અખબાર યાદીમાં જણાવ્યું છે.