જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતો યુવક તેના મિત્ર સાથે બાઇક પર જાંબુડા નજીક આવેલા રોડ પરથી પસાર થતો હતો ત્યારે પૂરઝડપે બેફિકરાઇથી આવતા અજાણ્યા ટ્રકે સામેથી ઠોકર મારતા યુવકને ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. તેમજ મૃતકના મિત્રને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં નંદ નિકેતન વિદ્યાલયની સામે રહેતો કિશન રઘુભાઇ બાબરિયા (ઉ.વ.21) નામનો યુવક મંગળવારે તેના મિત્ર દિલીપ કાના શિહોરા સાથે જીજે10 ડીએમ 0269 નંબરના બાઇક પર ખીરી ગામથી જામનગર તરફ આવતા હતા ત્યારે જાંબુડા ગામના પાટિયા નજીક પહોંચ્યા ત્યારે સામેથી પૂરઝડપે બેફિકરાઇથી આવતા અજાણ્યા ટ્રક ચાલકે બાઇકસવારને ઠોકર મારી હડફેટ લેતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક કિશન બાબરિયા નામના યુવકને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે મૃતકના મિત્ર દિલીપને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો.
ત્યારબાદ બનાવની જાણ થતા પીએસઆઇ આર.એલ.ઓડેદરા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના પરિવારજનોને જાણ કરી ઇજાગ્રસ્ત દિલીપને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા રઘુભાઇ બાબરિયાના નિવેદનના આધારે પોલીસે ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.