ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો તા.8 ડિસેમ્બરના રોજ જાહેર થવાના છે. દેવભૂમિ દ્વારકા વિધાનસભાની બંને બેઠક ખંભાળિયા અને દ્વારકાની મતગણતરી ખંભાળિયામાં એસ.એન.ડી.ટી હાઇસ્કૂલમાં તા.8 ડિસેમ્બરના રોજ સવારે આઠ વાગ્યાથી હાથ ધરાનાર છે.
મતગણતરીને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એમ. એ.પંડ્યાના માર્ગદર્શન હેઠળ બંને ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી પંચના નિયમ મુજબ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મતગણતરી સવારે 8 કલાકે થી શરૂ થશે.
ખંભાળિયા વિધાનસભા વિસ્તારમાં કુલ 335 મતદાન મથકો પર તેમજ દ્વારકા વિધાનસભા વિસ્તારમાં 317 મથકો પર મતદાન થયું હતું. ગણતરી માટે કુલ 13 ટેબલ અને એક વધારાનું ટેબલ એમ દરેક ટેબલ પર એકંદરે એક સુપરવાઇઝર, એક મદદનીશ અને એક માઈક્રો ઓબ્ઝર્વર મત ગણતરીની કામગીરી કરશે. રાઉન્ડ વાઇઝ મત ગણતરી કરવામાં આવશે અને ખંભાળિયા માટે કુલ 24 રાઉન્ડ અને દ્વારકા માટે કુલ 23 રાઉન્ડ થશે.
મત ગણતરી સેન્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને તે દિવસે પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ નક્કી કરવામાં આવી છે.