ફીફા વર્લ્ડકપ જે દેશમાં રમાઈ રહ્યો છે તેની યજમાન ટીમ કતારે એક સપ્તાહની અંદર જ બીસ્તરા-પોટલાં બાંધી લેવા પડ્યા છે. કતારની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ જનારી પ્રથમ ટીમ બની છે. તેને સેનેગલની અત્યંત નબળી ગણાતી ટીમે 3-1થી કારમો પરાજય આપ્યો છે.
કતાર વિશ્વકપના ઈતિહાસમાં ગ્રુપ સ્ટેજથી આગળ નહીં જનારો બીજો દેશ બની ગયો છે. આ પહેલાં 2010માં દક્ષિણ આફ્રિકી ટીમ પણ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. જો કે તેણે ત્રણ મુકાબલામાંથી એક જીત્યો હતો, એક હાર્યો હતો તો એક મુકાબલો ડ્રો થયો હતો. જ્યારે કતારે બન્ને મુકાબલા ગુમાવ્યા છે. આવામાં 92 વર્ષના વિશ્વકપના ઈતિહાસમાં કતાર સૌથી ખરાબ પ્રદર્શન કરનારો દેશ બની ગયો છે.સ્ટ્રાઈકર બુલાયે ડિયાએ 41મી મિનિટમાં કતારના ડિફેન્ડર બુઆલેમ ખાઉખીની ભૂલનો ફાયદો ઉઠાવીને પહેલો ગોલ કરી દીધો હતો. તેની આ લીડ મધ્યાંતર સુધી યથાવત રહી હતી. આ પછી ફમારા ડી (48મી મિનિટ)એ બીજા હાફની ત્રીજી જ મિનિટમાં ટીમની લીડ બમણી કરી દીધી હતી. કતાર માટે સબસ્ટીટયુટ મોહમ્મદ મુંતારીએ ગોલ કર્યો હતો જેના કારણે સ્કોર 2-1 થયો હતો. જો કે તેની છ મિનિટ બાદ બાંબા ડિએગ (84મી મિનિટ)એ ગોલ કરી સેનેગલની લીડ 3-1 કરી હતી. મોહમ્મદ મુંતારીએ કતાર માટે 78મી મિનિટમાં ગોલ કર્યો હતો. આ સાથે જ તે પોતાના દેશ તરફથી વિશ્વકપમાં ગોલ કરનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. ટીમને ટૂર્નામેન્ટના પ્રથમ મુકાબલામાં ઈક્વાડોર સામે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો.