જામનગર-સૌરાષ્ટ્ર સહિત પ્રથમ તબકકાની કુલ 89 બેઠકો માટે મતદાનને હવે એક સપ્તાહથી પણ ઓછો સમય બચ્યો છે ત્યારે જાહેર પ્રચાર અંતિમ તબકકામાં પહોંચ્યો છે. આગામી ગુરૂવારે યોજાનારા મતદાનના 36 કલાક પહેલાં એટલે કે, મંગળવાર સાંજે પાંચ વાગ્યાથી જાહેર પ્રચાર બંધ થઇ જશે. તે પહેલાં આ વિસ્તારમાં પક્ષોના રાષ્ટ્રિય નેતાઓ દ્વારા પ્રચારનું વાવાઝોડું ફૂંકાશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ છેલ્લા કેટલાક દિવસથી ધૂંઆધાર પ્રચાર કરી રહયા છે. તેઓ આજે પણ ગુજરાતમાં પાંચ જાહેર સભાઓને સંબોધશે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કાલથી ત્રણ દિવસ ગુજરાતમાં ચૂંટણી પ્રચારાર્થે આવી રહયા છે. સંભવત: તેઓ ભાવનગર, જામનગર અને સુરતમાં રોડ શો સાથે સભાઓ પણ ગજવશે. સાથે-સાથે પ્રધાનમંત્રી મોદી પણ અંતિમ ઘા માટે પ્રચાર માટે આવશે. જામનગરમાં પણ તેઓ હાલારની સાતેય બેઠકો માટે એક સંયુકત જાહેર સભા સંબોધશે. આ ઉપરાંત કોંગ્રેસ પણ અંતિમ તબકકાના પ્રચાર માટે સક્રિય બની છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, સચિન પાયલોટ જેવા નેતાઓ સૌરાષ્ટ્રમાં પ્રચાર માટે આવશે. પ્રિયંકા ગાંધી રાજકોટમાં રોડ શો કરે તેવી સંભાવના છે. આમ પ્રથમ તબકકાની 89 બેઠક માટે ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપે તેની 27 વર્ષથી ચાલતી સરકારને ટકાવી રાખવા માટે તમામ જોર લગાવી દીધું છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી ત્રીજા બળ તરીકે ઉભરી આવવા માટે તનતોડ પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસનો જાહેર પ્રચાર ઓછો જણાઇ રહયો છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ખાટલા બેઠકો યોજીને કોંગ્રેસ ગામડાઓમાં પોતાનો પગ મજબૂત કરવાના પ્રયાસ કરી રહી છે. પ્રચારના અંતિમ દિવસો ત્રણેય મુખ્ય પક્ષો માટે નિર્ણાયક બની રહેશે. પક્ષો પાસે આજે શુક્રવાર સહિત પ્રચાર માટે હવે માત્ર ચાર જ દિવસ બચ્યા છે.