જામનગરના અંધાશ્રમ પાછળ આવેલા દવા બજાર વિસ્તારમાં રહેતી યુવતીએ સંતાન ન થવાથી તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યાર કર્યાની બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા યુવકના પિતાજીનું બે વર્ષ પહેલાં મૃત્યુ થયા બાદ સતત ગુમસુમ રહેતા યુવકે તેના ઘરે જિંદગીથી કંટાળી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
જામનગર શહેરમાં અંધાશ્રમ પાછળ આવેલાં દવાબજાર બુધ્ધ વિહારમાં રહેતી ઇશાબેન સતિષભાઇ ગાવડે ઉ.વર્ષ 21 નામની યુવતિને લગ્નજીવન દરમ્યાન કોથળીની તકલીફને કારણે સંતાન ન થતાં હોય જેથી ચિંતામાં ઇશાએ ગુરૂવારે સાંજના સમયે તેના ઘરે પંખામાં ચૂંદડી બાંધી ગળેફાસો ખાઇઆત્મહત્યા કરી હતી. આ અંગેની દક્ષાબેન ગાવડે દ્વારા જાણ કરવામાં આવતા પીએસઆઇ એ.એમ. સિસોદીયા તથા સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા બાપુનગર શેરી નં. 3માં રહેતા અને મૂળ શેખપાટના વતની શનિરાજસિંહ ગંભીરસિંહ સોઢા ઉ.વર્ષ 21 નામના યુવકના પિતાનું બે વર્ષ પહેલાં મોત થયું હતું. પિતાના મોત બાદથી સતત ગુમસુમ રહેતા પુત્ર શનિરાજસિંહ તેની જીંદગીથી કંટાળીને ગુરૂવારે સાંજના સમયે તેના ઘરમાં ઉપરના માળે આવેલા રૂમના પંખામાં સાડી વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સિધ્ધરાજસિંહ દ્વારા જાણ કરાતાં 108 એમ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પરંતુ સારવાર કરે તે પહેલાં જ યુવકનું મોત નિપજયું હોવાનું જાહેર થયું હતું. આ અંગેની જાણ કરાતાં પીએસઆઇ આર.પી. અસારી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.