દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા ભારાભાઈ પેથાભાઈ લધા નામના 55 વર્ષના અનુસૂચિત જાતિના પ્રૌઢની પુત્રી તેમના ઘરની બહાર એઠવાડ નાખવા માટે ગઈ હતી, ત્યારે આ સ્થળે ઊભેલા જીવણભાઈ વાઘેર નામના શખ્સ દ્વારાને તેણીએ સાઈડમાં ઊભા રહેવાનું કહેતા, ઉશ્કેરાઈ ગયેલા ઉપરોક્ત શખ્સે યુવતીને પેટમાં પાટુ મારી, ઈજાઓ પહોંચાડી હતી.
આટલું જ નહીં, અહીં આવેલા ફરિયાદી ભારાભાઈ પેથાભાઈને આરોપીએ બિભત્સ ગાળો કાઢી, લાકડાનો ધોકો ફટકારી દીધો હતો. આમ, પિતા-પુત્રીને બિભત્સ ગાળો કાઢી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા આ સમગ્ર બનાવવા અંગે દ્વારકા પોલીસ મથકમાં જીવણભાઈ વાઘેર સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ ઉપરાંત એટ્રોસિટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં આગળની તપાસ એસ.સી.એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. સમીર સારડા ચલાવી રહ્યા છે.