ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ વહેંચણી બાદ ભાજપમાં અનેક બાગીઓ બહાર આવ્યા છે. પ્રથમ તબક્કાની બેઠકોના ફોર્મ ભરાયા બાદ ફોર્મ ખેંચવાની પ્રક્રીયા પૂર્ણ થતા જ 7 નેતા સસ્પેન્ડ થયેલા. ત્યારે ફરી એકવાર બાગીઓને સસ્પેન્ડ કરાયા છે. અપક્ષ ઉમેદવારી કરનાર વડોદરા વાઘોડિયાના દબંગ નેતા મધુ શ્રીવાત્સવ સહિત ભાજપે 12 બાગીઓને સસ્પેન્ડ કર્યા છે.
ભાજપે ટિકિટ ન આપતા જેના સમર્થકોએ કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરતા કમલમના દરવાજા બંધ કરવા પડેલા. તેવા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બાયડના ધવલસિંહ ઝાલાને પણ સસ્પેન્ડ કરાયા છે. પ્રદેશ ભાજપે અપક્ષ ઉમેદવારી કરનાર વડોદરા જિલ્લાના પાદરાના દીનું પટેલ, સાવલીના કુલદીપસિંહ રાઉલ, પંચમહાલ શહેરાના ખતુ પગી, મહીસાગર લુણાવાડાના એસ.એમ. ખાંટ, ઉદય શાહ, આણંદ ઉમરેઠના રમેશ ઝાલા, ખંભાતના અમરશી ઝાલા, અરવલ્લી બાયડના ધવલસિંહ ઝાલા, મહેસાણા ખેરાલુના રામસિંહ ઠાકોર, બનાસકાંઠા ધાનેરાના માવજી દેસાઈ, ડીસાના લેબજી ઠાકોરને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સૂચનાથી સસ્પેન્ડ કરાયા છે.