રાજ્યમાં શાંતિ પૂર્ણ રીતે ચૂંટણી યોજાઈ તે માટે ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બુટલેગર, ડ્રગ્સ, હથિયાર સહીતના જુદા – જુદા એકટ હેઠળ 15 જ દિવસમાં 2,00,000થી વધુ આરોપીઓની અટકાયત થઈ છે.
રાજ્યમાં લો એન્ડ ઓર્ડરના એડીજીપી નરસિમ્હા કોમારએ જણાવ્યું કે, રાજયમાં તા.3 નવેમ્બરથી તા.18 નવેમ્બર સુધી ગુજરાત નશાબંધી અધિનિયમ અન્વયે 21,704 કેસો કરવામાં આવ્યા. જેમાં 17,789 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કેસોમાં રૂ.17.88 લાખનો દેશી દારૂ, રૂ. 9.04 કરોડનો વિદેશી દારૂ તથા 13.44 કરોડની અન્ય ચીજ-વસ્તુઓ સાથે કુલ રૂ.22.67 કરોડનો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે. રાજ્યમાં ક્રિમિનલ પ્રોસીજર કોડ હેઠળ 1,86,850 કેસો, ગુજરાત પ્રોહી. એકટ હેઠળ 18,763 કેસો, ગુજરાત પોલીસ એકટ હેઠળ 61 કેસો તથા પાસા એકટ હેઠળ 178 કેસો એમ વિવિધ કલમો હેઠળ કુલ 2,05,852 અટકાયતી પગલાં અંગેની કામગીરી કરવામાં આવી.
રાજ્યમાં કુલ 55640 પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી 54373 (97.7 ટકા)હથિયારો જમા લેવામાં આવેલ છે તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. રાજ્યમાં આર્મ્સ એકટ 1959 હેઠળ 51 ગેરકાયદેસર હથિયાર તથા 274 ગેરકાયદેસર દારૂગોળા પકડવામાં આવ્યા છે. ડ્રગ્સ ગાંજાના 29 કેસો નોંધી, રૂ. 61 કરોડ 57 લાખ 05 હજાર 184 નો 817.9679 કિ.ગ્રા.નો જથ્થો પકડવામાં આવેલ છે.
રાજ્યમાં હાલ 140 આંતરરાજ્ય ચેક પોસ્ટ, 546 સ્ટેસ્ટિક સર્વેલન્સ ટિમ તથા 546 ફ્લાઈંગ સ્ક્વોડ કાર્યરત છે. સ્ટેસ્ટિક સર્વેલન્સ ટિમો દ્વારા રૂ.55 હજાર 470 નો આઈએમએફએલ, રૂ.78 લાખના ઘરેણાં તથા 10 લાખ 64 હજાર 700ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ.89,20,170 નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા 1,450 નો આઈએમએફએલ, 48 લાખ 34 હજાર 440 રોકડ તથા 7 લાખ 58 હજારની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 55 લાખ 93 હજાર 890 નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. લોકલ પોલીસ દ્વારા 2 કરોડ 02 લાખ 42 હજાર 940 રોકડ, 2 કરોડ 30 લાખ 23 હજાર 565ના ઘરેણાં, 61 કરોડ 57 લાખ 05 હજાર 184 ના માદક પદાર્થો તથા 47 લાખ 70 હજાર 424ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ.66 કરોડ 37 લાખ 42 હજાર 113 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.