જામનગર શહેર અને જિલ્લામાં આગામી વિધાનસભા 2022 ની ચૂંટણી શાંતિપૂર્ણ યોજવા માટે પોલીસ અધિક્ષક દ્વારા ગુનાખોરી ધરાવતા શખ્સો વિરૂધ્ધ પાસાની દરખાસ્ત હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન જામનગરના વધુ એક શખ્સની પાસા હેઠળ ધરપકડ કરી વડોદરાની જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે આગામી તા.1 ડિસેમ્બરે મતદાન યોજાનાર છે. આ મતદાન અને ચૂંટણી જિલ્લામાં શાંતિપૂર્ણ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જિલ્લાના બુટલેગરો અને અસામાજિક તત્વો ઉપર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં જ ચૂંટણી દરમિયાન પોલીસે 10 શખ્સો સામે પાસાની કલમ હેઠળ ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દરમિયાન જામનગર શહેરમાં લાલપુર બાયપાસ નજીક મારુ કંસારા હોલ પાસે આવેલી પંચવટી સોસાયટીમાં રહેતાં જય જમનાદાસ જેઠવાણી નામના શખ્સ સામે પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી. જે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીએ મંજૂર કરતાં એલસીબી પીઆઈ જે.વી.ચૌધરી તથા સ્ટાફ દ્વારા જયની ધરપકડ કરી વડોદરાની જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આમ ચૂંટણી સંદર્ભે કુલ 11 શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.