રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે રશિયા દ્વારા છોડવામાં આવેલી બે મિસાઈલો યુક્રેન સરહદ પાસે નાટોના સભ્ય દેશ પોલેન્ડના વિસ્તારમાં પડી હતી. પોલેન્ડના મીડિયાને ટાંકિને રજુ થયેલા મીડિયા અહેવાલ અનુસાર પોલેન્ડ યુક્રેનની સરહદ પર લ્યુબ્લિન વોઇવોડશીપમાં પ્રિઝવોડોના વસ્તીવાળા વિસ્તારમાં બે મિસાઈલ પડ્યા. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, પોલીસ અને સેના ઘટનાસ્થળે કામ કરી રહી છે. પોલેન્ડે આ મામલે રશિયાના રાજદૂતને બોલાવ્યા છે. પોલેન્ડના વિદેશ મંત્રાલય દ્વારા આ સંદર્ભમાં એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. મંત્રાલયના પ્રવક્તા લુકાજ જેસીનાએ કહ્યું કે અમે તાત્કાલિક આ ઘટના અંગે રશિયાના રાજદૂત પાસે વિગતવાર ખુલાસો માંગ્યો છે. મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે 15 નવેમ્બરે રશિયા તરફથી યુક્રેન પર ભારે હુમલો કરવામાં આવ્યો હતો. અને સેનાએ તેના માળખાને પણ નષ્ટ કરી દીધા હતા. મધ્યરાત્રીના 3.40 વાગ્યે લ્યુબ્લિન પ્રાંતના હ્રુબિજોવ જિલ્લાના પ્રઝેવોડોવ ગામ પર રશિયન બનાવટની મિસાઈલ છોડવામાં આવી હતી અને તેના પરિણામે પોલેન્ડ પ્રજાસત્તાકના બે નાગરિકોના મળત્યુ થયા હતા. એટલા માટે પોલેન્ડના વિદેશ પ્રધાન ઝબિગ્ન્યુ રાઉએ તાત્કાલિક રશિયન રાજદૂતને બોલાવીને આ ઘટના અંગે વિગતવાર ખુલાસો માંગ્યો છે. પોલેન્ડના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે તેના ક્ષેત્રમાં પડેલું રોકેટ રશિયામાં બનાવવામાં આવ્યું હતું. બીજી તરફ, નાટોની કલમ 4ના આધારે પોલેન્ડ દ્વારા કરવામાં આવેલી વિનંતી હેઠળ, નાટોમાં સામેલ સભ્ય દેશોના રાજદૂતો આજે આ મામલે એક બેઠક કરશે. નાટોના આર્ટિકલ 4 મુજબ, નાટોના સભ્યો, નાટો સભ્ય રાષ્ટ્રની સુરક્ષાને લઈને કોઈપણ મુદ્દો ઉઠાવી શકે છે. યુરોપિયન રાજદ્વારીઓને ટાંકીને આ માહિતી સામે આવી છે. મોસ્કોએ પોલેન્ડ પર રશિયન મિસાઇલોના હુમલાના અહેવાલને ‘ઉશ્કેરણી’ ગણાવી છે તેમ ન્યૂઝ એજન્સી એએફપીએના અહેવાલ જણાવે છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે એવા અહેવાલોને નકારી કાઢયા છે કે રશિયન મિસાઇલો પોલેન્ડના વિસ્તારમાં ત્રાટકી હતી. અહેવાલનું વર્ણન કરતાં, તેને ‘યુદ્ધની વધતી જતી સ્થિતિ વચ્ચે ઇરાદાપૂર્વકની ઉશ્કેરણી’ તરીકે વર્ણવવામાં આવ્યું હતું. રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે યુક્રેન-પોલેન્ડ સરહદને નિશાન બનાવીને રશિયન મિસાઈલો દ્વારા કોઈ હુમલા કરવામાં આવ્યા નથી.
રશિયાની મિસાઇલ પોલેન્ડમાં ખાબકતાં નાટો એલર્ટ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને નાટો અને જી-20 નેતાઓની ઇમરજન્સી બેઠક બોલાવી