ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં ચૂંટણી માહોલ જામ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 01 ડિસેમ્બરના રોજ છે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ છે. જ્યારે ચૂંટણી પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.
ત્યારે હવે રાજ્ય કર્મચારી મહામંડળે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ 100% ગુપ્ત મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા માટે ચૂંટણી પંચને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, મતદાન એ ગુપ્તદાન છે પરંતુ બેલેટ દ્વારા મતદાનથી કર્મચારીઓએ કોને મત સ્પષ્ટ થઈ જતું હોઈ છે તેથી કર્મચારીઓ ડર અને કોઈને અણગમો ન થાય તે માટે મતદાનથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેથી કોઈ એવી સુવિધા કરવામાં આવે જેનાથી મતદાન ગુપ્ત રહી શકે અને કર્મચારીઓ નિર્ભયપણે મતદાન કરી શકે.
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે સદર ચૂંટણીમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકાયેલા કર્મચારીઓ અને વતનથી દૂર ફરજ બજાવતા હોય તેવા તેવા તમામ કર્મચારીઓ માટે 100% મતદાન ગુપ્ત રીતે તાલીમ દરમિયાન જ કરી શકાય તેવી મતદાનની સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યું કે, રાજ્યના મોટા ભાગના કર્મચારીઓ ચૂંટણી કાર્યમાં રોકાયેલા હોવાથી પોતાના વિધાનસભા મત ક્ષેત્રમાં મતદાન કરી શકતા નથી તેથી બેલેટ/ઊઉઈની સુવિધા ઉભી કરવામાં આવી છે. પરંતુ મોટાભાગના કર્માચારીઓને બેલેટ મળવામાં વિલંબ થવાથી અને પ્રથમ વખત ચૂંટણીની કામગીરીમાં જોડાવાને કારણે પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી. જો દિવ્યાંગ અને વયોવૃદ્ધ નાગરીક મતદારોને ઘરે મતદાનની સુવિધા આપવામાં આવતી હોય તો ચૂંટણીકાર્યમાં રોકાયેલ કર્મચારીઓનું પણ 100% મતદાન થાય તે માટે યોગ્ય આયોજન કરવાની જવાબદારી નિર્વાચન આયોગની છે. તેની યોગ્ય વ્યવસ્થા ઉભી કરી આપવામાં આવે.