જામનગર તાલુકાના નાની લાખાણી ગામમાં રહેતાં વૃધ્ધ તેના બાઈક પર ચાવડા ગામ તરફ જતાં હતાં ત્યારે બાઈક આડે જંગલી ભુંડ આડુ ઉતરી બાઈક સાથે અથડાતા અકસ્માતમાં શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગરના રાંદલનગર વિસ્તારમાં રહેતાં વૃદ્ધની બીમારી સબબ તબિયત લથડતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર તાલુકાના નાની લાખાણી ગામમાં રહેતાં કિશોરસિંહ પ્રભાતસિંહ જાડેજા (ઉ.વ.66) નામના વૃધ્ધ ગત તા.27 ઓકટોબરના રોજ સાંજના સમયે તેના જીજે-10-એઆર-1450 નંબરના બાઈક પર નાની લાખાણીથી ચાવડા ગામ તરફ જતાં હતાં ત્યારે રસ્તામાં એકાએક જંગલી ભુંડ આડુ ઉતરી અને બાઈક સાથે અથડાતા અકસ્માતમાં કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થઈ ગયું હતું. આ અકસ્માતમાં બાઈકસવાર કિશોરસિંહને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન શનિવારે સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર અનિરૂધ્ધસિંહ દ્વારા જાણ કરાતા હેકો ડી.એ. રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના રાંદલનગર વિસ્તારમાં રહેતાં માણેકચંદ રામભાઈ મહેતા (ઉ.વ.75) નામના વૃદ્ધને તેના ઘરે એકાએક તબિયત લથડતા બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જયાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ઘનશ્યામસિંહ દ્વારા જાણ કરાતા હેકો વાય.એમ.વાળા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.