જામનગર શહેરમાં શાકમાર્કેટ પાછળના ભોયવાડામાં રહેતાં કોન્ટ્રાકટર પાસેથી એક લાખની ખંડણી માગી પતાવી દેવાની ધમકી આપ્યા બાદ પાંચ શખ્સોએ ઘરે આવી કોન્ટ્રાકટરના પત્નીને મીઠાઈના બોકસમાં એક હથિયાર અને ત્રણ કાર્ટીસ આપી ગયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શાકમાર્કેટ પાસે આવેલા ભોયવાડામાં રહેતા કોન્ટ્રાકટર સંજય છગનલાલ ચુડાસમા પાસે ઈકબાલ બાઠીયો નામનો શખ્સ કોન્ટ્રાકટ કામ કરવું હોય તો એક લાખની ખંડણી માંગતો હતો અને જો રૂપિયા નહીં આપો તો પતાવી દેવાની તથા હથિયારના કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપતો હતો. ઈકબાલ દ્વારા કરાતી રૂપિયાની માંગણી ન સ્વીકારતા રવિવારે સાંજના સમયે કોન્ટ્રાકટરના ઘરે ઈકબાલ બાઠીયો તથા ચાર અજાણ્યા શખ્સોએ આવીને કોન્ટ્રાકટરના પત્નીના હાથમાં મીઠાઈના બોકસમાં હથિયાર તથા ત્રણ કાર્ટીસ આપીને જતાં રહ્યાં હતાં ત્યારબાદ કોન્ટ્રાકટર દ્વારા મીઠાઈનું બોકસ ખોલતા તેમાંથી હથિયાર અને કાર્ટીસ મળી આવતા પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ હથિયાર અને કારતુસ કબ્જે કરી ઈકબાલ બાઠીયા સહિતના પાંચ શખ્સો વિરુધ્ધ ખંડણી-ધમકી અને હથિયાર આપી ગયાનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.