ખંભાળિયાની બેઠક પરનું સસ્પેન્સ આખરે દૂર થયું છે. ખૂબજ મંથન બાદ ખંભાળિયાની વિધાનસભા બેઠક પર ભાજપાએ અનુભવી મુળુભાઇ બેરાના નામ પર પસંદગી ઉતારી છે. આજે જાહેર કરવામાં આવેલા ભાજપાના વધુ છ ઉમેદવારોના નામમાં મુળુભાઇ બેરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના મજબૂત વિક્રમ માડમ સામે તેઓ દાવેદારી નોંધાવશે.
દ્વારકા જિલ્લામાં આગામી તારીખ પહેલી ડિસેમ્બરના રોજ યોજાનાર વિધાનસભાની ચૂંટણીના મતદાન સંદર્ભે મહત્વની એવી અને પ્રતિષ્ઠાના જંગ સમાન બની ગયેલી ખંભાળિયા બેઠક માટે બે દિવસ પહેલા કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિક્રમભાઈ માડમનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ અહીં ભાજપના સક્ષમ ઉમેદવારોની નમાવલીમાં ભારે ગડમથલ તેમજ જીતના અંકોડા મેળવવાના કારણોસર ગઈકાલે રાત્રે સુધી ઉમેદવારના નામની જાહેરાત થઈ ન હતી.
આજરોજ સવારે ભાજપના મોવડી મંડળ દ્વારા ઉમેદવારોને જારી કરવામાં આવેલી બીજી યાદીમાં ખંભાળિયાના ઉમેદવાર તરીકે ભાણવડના પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ રાજ્યમંત્રી મુળુભાઈ બેરાનું નામ વિધિવત રીતે જાહેર કરી દેવામાં આવતા તમામ અટકળો અને અનુમાનો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. ખંભાળિયાના બેઠક પર ગઈકાલ સુધી મુળુભાઈ બેરા સાથે સતવારા સમાજના અગ્રણી મેરામણભાઈ ભાટુ તેમજ સતવારા સમાજના અગ્રણી હરિભાઈ નકુમનું નામ પણ પ્રથમ હરોળમાં ચર્ચાતુ હતું.
જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ છેલ્લે નિગમના ચેરમેન તરીકે ફરજ બચાવી ચૂકેલા મુળુભાઈ બેરા આહીર સમાજના અગ્રણી સાથે સક્ષમ ઉમેદવાર તરીકેનું નામ ધરાવે છે. કોંગ્રેસના વિક્રમ માડમ સામે તેમનો ચૂંટણી જંગ સર્જાશે. અત્રે ઉલ્લેખનિય છે કે 2014ની પેટા ચૂંટણીમાં મુળુભાઈ બેરા કોંગ્રેસના મેરામણભાઈ ગોરીયા સામે પરાજિત થયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની બંને બેઠક ખંભાળિયા તથા દ્વારકા માટે આમ આદમી પાર્ટી દ્વારા વિધિવત રીતે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આમ આદમી પાર્ટીના નેતા અને “આપ”ના મુખ્યમંત્રી પદના ચહેરા એવા ખંભાળિયાના વતની ઈસુદાનભાઈ ગઢવી સંભવિત રીતે ખંભાળિયા અથવા દ્વારકાથી બેઠક પરથી ચૂંટણી લડશે. અત્રે ઉલ્લેખનિય છે કે દ્વારકા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારનું નામ પણ હજુ સુધી જાહેર થયું નથી. મુળુભાઇ બેરા સોમવારે પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કરશે.