જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા શ્યામનગરમાં રહેતાં યુવાનના બંધ મકાનમાંથી તસ્કરોએ તાળા તોડી કબાટમાં રાખેલી 10 હજારની રોકડ રકમ અને સોનાની બુટી સહિત રૂા.25000 ની માલમતાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, મૂળ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામના વતની અને હાલ જામનગર શહેરમાં ગોકુલનગરમાં આવેલા શ્યામનગર શેરી નં.3 માં વાટલિયા પ્રજાપતિની વાડીની સામે રહેતાં અને નોકરી કરતા ભાવેશ ખીમાભાઈ રાઠોડ નામના યુવાનના બંધ મકાનમાંથી બુધવારે મધ્યરાત્રિના 2:00 વાગ્યાથી સવારે 8:00 વાગ્યા સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ મુખ્ય દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલા કબાટનું લોક તોડીને તેમાંથી રૂા.10 હજારની રોકડ રકમ અને રૂા.15 હજારની કિંમતની સોનાની બુટી મળી કુલ રૂા.25 હજારની માલમતાની ચોરી કરી ગયા હતાં. આ ચોરીની જાણ કરાતા પીએસઆઈ એચ.ડી.હિંગરોજિયા તથા સ્ટાફે અજાણ્યા તસ્કર વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.