Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં હકુભા કપાયા, ફળદુ બદલાયા

જામનગરમાં હકુભા કપાયા, ફળદુ બદલાયા

જામનગર શહેરમાં ભાજપનું ‘નો રિપીટ’ : દક્ષિણ બેઠક પર આર.સી.ફળદુના સ્થાને દિવ્યેશ અકબરીને જયારે ઉત્તરની બેઠક પર હકુભા જાડેજા સ્થાને રીવાબા જાડેજાને ટિકીટ : જામજોધુરમાં ચીમનભાઇ સાપરિયાને વધુ એક તક :જામનગર ગ્રામ્યમાં ભાજપને રાઘવજી પટેલનો વિકલ્પ ન મળ્યો : કાલાવડની બેઠક પર મેઘજી ચાવડા વધુ એક વખત દાવ લગાવાયો : દ્વારકામાં 8મી ટર્મ માટે પબુભા માણેક : ખંભાળિયાની બેઠક પર સસ્પેન્શ યથાવત્, હજુ નામ જાહેર કરવાનું બાકી

- Advertisement -

ભાજપની કેન્દ્રિય ચૂૂંટણી સમિતિ દ્વારા ગુજરાત વિધાનસભાની 182 પૈકી 160 બેઠકોના ઉમેદવારોના નામની આજે સવારે જાહેરાત કરવામાં આવી છે જેમાં હાલારની કુલ 7 બેઠકો પૈકી 6 બેઠકોના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. જયારે ખંભાળિયા વિધાનસભા બેઠક માટે ઉમેદવારને નામને લઇને હજુ સસ્પેન્સ પ્રવર્તી રહ્યો છે. ભાજપ દ્વારા જામનગર શહેરની બન્ને બેઠકો પર નો રિપીટ થિયેરી અપનાવવામાં આવી હોય તેમ હાલના બન્ને ધારાસભ્યોને ટિકીટ આપવામાં આવી નથી. તેના બદલે નવા નામની જ જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ દ્વારકા બેઠક પર પબુભા માણેકને રિપીટ કરવામાં આવ્યા છે. જયારે જામનગર ગ્રામ્યની બેઠક પર પણ પ્રવર્તમાન ધારાસભ્ય રાઘવજી પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. આ બેઠક પર ભાજપાને રાઘવજી પટેલનો કુલ સબળ વિકલ્પ જણાયો ન હોવાનું સમજાઇ રહ્યું છે. જામજોધપુરની બેઠક પર પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય ચીમનભાઇ સાપરિયાને વધુ એક વખત તક આપવામાં આવી છે. તો કાલાવડમાં અનામત બેઠક પર મેઘજીભાઇ ચાવડાને ફરી એકવખત મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ભાજપાની કેન્દ્રિય સમિતિ દ્વારા જામનગર શહેરની બન્ને બેઠકો પર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. દક્ષિણ બેઠક પર પૂર્વ કૃષિમંત્રી અને ધારાસભ્ય આર.સી. ફળદુને બદલીને જામનગર મહાપાલિકાના કોર્પોરેટર દિવ્યેશ અકબરીને ટિકીટ આપવામાં આવી છે. આ બેઠક પર પટેલ મતદારોમાં દબદબો હોય ભાજપાએ પટેલના સ્થાને પટેલને જ ટિકીટ આપવાનો નિર્ણય અપનાવ્યો છે. આ બેઠક માટે ભાજપામાં અનેક દાવેદારો હતા. બીજી તરફ જામનગર ઉત્તરની બેઠક પર મજબૂત દાવેદાર ગણાતા પૂર્વમંત્રી અને હાલના ધારાસભ્ય હકુભા જાડેજાનું પતું કાપી નાખવામાં આવ્યું છે. આ બેઠક પર પણ દક્ષિણની જેમ જ ક્ષત્રિયના સ્થાને ક્ષત્રિય ઉમેદવારને ટિકીટ આપવામાં આવી છે. ભારતીય ટીમના ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્નિ રીવાબા જાડેજાને જામનગર ઉત્તરની બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. હકુભાની ટિકીટ કાપીને રિવાબાને ચૂંટણી જંગમાં ઉતારવાના ભાજપના નિર્ણયથી આ બેઠક પરનો ચૂંટણી જંગ રસપ્રદ બનવાના એંધાણ સાંપડી રહયા છે. છેલ્લા કેટલાક સમયથી રિવાબા રાજકારણમાં સક્રિય થયા હતા અને ભાજપામાં જોડાયા હતા. એટલું જ નહીં રવીન્દ્ર જાડેજા સાથે દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારથી જ તેમની ટિકીટની સંભાવનાઓને લઇને અટકળો તેજ બની ગઇ હતી. જે આખરે સાચી ઠરી છે.

- Advertisement -

જામનગર ગ્રામ્યની બેઠક પર હાલના કૃષિમંત્રી રાઘવજી પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. રાજકીય તેમજ સામાજિક રીતે સતત સક્રિય રહેતા રાઘવજી પટેલનો કોઇ સબળ વિકલ્પ ભાજપને નહીં મળતાં પક્ષના જ કેટલાક ધારાધોરણોનું ઉલ્લંઘન થતું હોવા છતાં માત્ર જીતી શકવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ભાજપાએ રાઘવજી પટેલ પર ફરી પસંદગી ઉતારી હોવાનું સમજાઇ રહ્યું છે.

જામજોધપુરમાં 2017માં ખૂબજ પાતળી સરસાઇથી હારી ગયેલાં ભાજપના પૂર્વ મંત્રી ચિમનભાઇ શાપરિયાને વધુ એક વખત તક આપવામાં આવી છે. આ બેઠક માટે આજે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમની પસંદગી માટે જ્ઞાતિના સમીકરણો પણ ધ્યાનમાં લેવામાં આવ્યું હોવાનું જણાઇ રહયુંં છે. તો કાલાવડની અનામત બેઠક પર 2012માં ચૂંટાયેલા ભાજપના મેઘજીભાઇ ચાવડાને 5 વર્ષ બાદ ફરી એક વખત મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ગઇ વખતે તેમને ટિકીટ આપવામાં આવી ન હતી. 2017માં ભાજપે આ બેઠક ગુમાવી હતી. ત્યારે ફરી એકવાર મેઘજી ચાવડાને ઉમેદવાર બનાવી ભાજપે દાવ ખેલ્યો છે.

- Advertisement -

હાલારના અન્ય એક દ્વારકા જિલ્લાની બે બેઠકો પૈકી દ્વારકાની બેઠક પર ભાજપાએ અહીં સાત ટર્મથી ચૂંટાતા પબુભા માણેક પર જ પસંદગી ઉતારી છે. આઠમી ટર્મ માટે તેમને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ ખંભાળિયાની બેઠકને લઇને હજુ પણ સસ્પેન્શ પ્રવર્તી રહ્યો છે. આ એક માત્ર બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કરવાનું હજુ બાકી છે. ખંભાળિયાની બેઠક રાજકીય રીતે ખૂબ સંવેદનશીલ માનવામાં આવે છે. હાલ કોંગ્રેેસના વિક્રમ માડમ આ બેઠક પરથી ધારાસભ્ય છે. ખંભાળિયાની બેઠક પર કોંગ્રેસનો દબદબો જોવા મળે છે. ત્યારે આ બેઠક પર ભાજપ કોને મેદાનમાં ઉતારે છે. તેના પર સૌની નજર મંડાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular