આઇટી વિભાગ દ્વારા ઝારખંડમાં કોંગ્રેસના બે ધારાસભ્યોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન આશરે 100 કરોડથી વધુની રકમની ગેરરીતી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જે ધારાસભ્યોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા તેઓ ઝારખંડમાં આઇરન અને કોલસાના બિઝનેસ સાથે જોડાયેલા છે. આઇટી વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી દરોડા પાડવામાં આવી રહ્યા હતા.
આઇટી વિભાગની ટીમ દ્વારા ઝારખંડમાં 50થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કોંગ્રેસના આ બે ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. જે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા તેમાં રાંચી, ગોડ્ડા, બેરમો, દુમકા, જમશેદપુર, ચાઇબાસા અને બિહારના પટના, ઉત્તર પ્રદેશના ગુરૂગ્રામ અને પશ્ર્ચિમ બંગાળના કોલકાતાનો પણ સમાવેશ થાય છે. જોકે આ દરોડામાં સૌથી વધુ ચર્ચાસ્પદ ઝારખંડના કોંગ્રેસના બે ધારાસભ્યોને ત્યા પાડવામાં આવેલા દરોડા રહ્યા હતા. ઝારખંડમા કોંગ્રેસના બે ધારાસભ્યો અનૂપસિંહ અને પ્રદીપ યાદવને ત્યાં તેમજ કોલ્હાન પ્રમંડલના શાહ બ્રધર્સ ગુ્રપના અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાનું નેતૃત્વ પટનાના આઇટી વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. શાહ બ્રધર્સ અનેક પ્રકારના બિઝનેસ સાથે જોડાયેલા છે. આ દરોડા દરમિયાન બે કરોડ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા.
સાથે જ 100 કરોડ રૂપિયાની ગેરકાયદે સંપત્તિ કે ટ્રાન્ઝેક્શનની પણ જાણકારી મળી છે. આઇટી વિભાગે 16 બેંક લોકરની પણ તપાસ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ 100 કરોડથી વધુની સંપત્તિને છૂપાવીને રાખી હતી. આ સંપત્તિ ક્યાંથી વસાવવામાં આવી તેનો કોઇ જ હિસાબ આરોપીઓની પાસે નથી.