ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ બાજપમાં ઉમેદવારોની પસંદગી અને યાદીને ઓપ આપવાની પ્રક્રિયા ભારે મનોમંથન વચ્ચે ચાલી રહી છે ત્યારે દિલ્હીથી બાજપ હાઇકમાન્ડ દ્વારા રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ઉમેદવાર પસંદગીને આખરી ઓપ આપવા અને ચૂંટણીલક્ષી સૂચના માટે બંને નેતાઓને દિલ્હી બોલાવાયા હોવાનું જોણવા મળી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આપ આગળ પડતુ રહ્યું છે. આપે તેના ઉમેદવારોની બે યાદી જાહેર કરી દીધી છે તો કોંગ્રેસે તેની પ્રથમ તબક્કાની એક યાદી જાહેર કરી છે. તો ભાજપે હજુ સુધી તેના ઉમેદવારોની યાદી કે નામોને લઇ કોઇ ફોડ પાડયો નથી. સ્થાનિક નેતાઓ અને સંગઠનના હોદ્દેદારો સહિત કેન્દ્રીય નેતાઓના માર્ગદર્શન હેઠળ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. ખાસ કરીને આપ અને કોંગ્રેસ બંનેને ટક્કર આપી શકે અને ચૂંટણીમાં વિજયી પરિણામ હાંસલ કરી શકે.
તેવા ઉમેદવારોના નામ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તા.9 અને 10 નવેમ્બર દરમ્યાન મળનારી ભાજપની સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પણ ભાગ લેશે. ભાજપની સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગુજરાતની ચૂંટણીમાં પક્ષના ઉમેદવારોના નામો નિર્ણિત કરી દેવાશે. કારણ કે, ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા.14 નવેમ્બર છે.