સુપ્રસિદ્ધ યાત્રાધામમાં આવેલા વિશ્રામ ગૃહ એવા કોકીલા ધીરજધામની કોઈ ગઠિયાઓએ ભળતી વેબસાઈટ બનાવી અને તેના મારફતે બેન્ક એકાઉન્ટમાં પૈસા મેળવીને જુદા જુદા દર્શનાર્થીઓ તેમજ યાત્રાળુઓને સાથે છેતરપિંડી થવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકામાં આવેલા શ્રી દ્વારકાધીશ મંદિરથી થોડે જ દૂર આવેલા કોકીલા ધીરજધામ અતિથિગૃહ કે જે રિલાયન્સના મોભી અંબાણી પરિવાર દ્વારા યાત્રિકોની સુવિધા માટે બનાવવામાં આવ્યું છે, અહીં આવતા યાત્રાળુ-મુસાફરોનું ઓનલાઈન બુકિંગ ધીરજધામની માન્ય સાઈટ ઉપરથી કરવામાં આવે છે. તેના માટે બહારગામથી દ્વારકા આવતા શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ મોબાઈલથી કે ઓનલાઈન આ સાઈટ મારફતે એડવાન્સ બુકિંગ કરાવી અને પેમેન્ટ કરે છે.
કોકીલા ધીરજધામ અતિથિગૃહની જુદી જુદી બે ખોટી વેબસાઈટ કોઈ શખ્સોએ બનાવી, માન્ય વેબસાઈટ જેવા ભળતા નામથી બનાવવામાં આવેલી આ વેબસાઈટ ગૂગલ સર્ચ મારફતે ઓનલાઇન મૂકી, આ ડુપ્લીકેટ જેવી વેબસાઈટ બનાવતા તત્વોએ પોતાના મોબાઈલ નંબર તેમજ બેન્ક એકાઉન્ટ નંબર તેમાં મૂકી અને દ્વારકા દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓના બુકિંગ કરવાના બહાને છેતરપિંડી કરવામાં આવતી હતી.
છેલ્લા આશરે એકાદ માસના સમયગાળા દરમિયાન ઓનલાઇન બુકિંગ કરાવી ચૂકેલા ડો. જીગ્નેશભાઈ એન. કગથરા (રાજકોટ), ઉત્તર પ્રદેશના શ્રદ્ધાળુ દુર્ગેશસિંહ, મહેસાણાના યાત્રિક સચિનભાઈ મોદી તથા અમદાવાદના રહીશ સ્નેહ મેવાણી વિગેરે ભક્તો આ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું ખુલવા પામ્યું છે. આ આસામીઓ રૂ. 37,462 ની રકમની છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યના કપ્તાનગંજ વિસ્તારમાં રહેતા અને હાલ દ્વારકામાં ફરજ બજાવતા સત્યપ્રકાશ પૃથ્વીપ્રસાદ ઓઝા નામના 45 વર્ષના બ્રાહ્મણ યુવાને સંભવિત રીતે આ સમગ્ર છેતરપિંડી આચરનારા 6372611751 મોબાઈલ નંબર ધરાવતા શખ્સ ઉપરાંત અન્ય એક મોબાઈલ નંબર 8918318637 નો ઉપયોગ કરતા આસામી ઉપરાંત એચડીએફસી બેન્ક એકાઉન્ટ નંબર ધરાવતા આ શખ્સ સાથે 7735827413 મોબાઈલ નંબર ધરાવતા અને કેનેરા બેન્કમાં એકાઉન્ટ ધરાવતા શખ્સ સામે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ અંગે દ્વારકા પોલીસે આઈ.પી.સી. કલમ 406, 420 તથા આઈ.ટી. એક્ટની જુદી જુદી કલમ મુજબ વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ ભળતી વેબસાઈટ બનાવનારા શખ્સો સામે ગુનો નોંધી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાયબર સેલ વિભાગના પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.