કાલાવડ તાલુકાના મેટીયા ગામના પાટીયા નજીક દુધ લઇ ઘર તરફ જતા વૃદ્ધના બાઈકને પૂરઝડપે બેફીકરાઈથી આવતી કારના ચાલકે ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા વૃદ્ધનું મોત નિપજ્યાના બનાવમાં પોલીસે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ડેરી ગામમાં રહેતાં મયાભાઈ જશાભાઈ સોલંકી (ઉ.વ.82) નામના વૃદ્ધ રવિવારે સાંજના સમયે તેના જીજે-10-બીએ-9237 નંબરના બાઇક પર ગામમાં આવેલી દુકાનેથી દૂધ લઇને તેના ઘર તરફ જતા હતાં ત્યારે મેટીયા ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે પૂરઝડપે બેફીકરાઈથી આવતી જીજે-03-એમએચ-4311 નંબરની કારના ચાલકે બાઈકસવાર વૃદ્ધને ઠોકર મારી હડફેટે લેતા વૃધ્ધ રોડ પર પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ઘવાયેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગે મૃતકના પુત્ર મનસુખભાઈ દ્વારા જાણ કરાતા હેકો જી.આર. જેઠવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કારચાલક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.