જામનગર જિલ્લા પંચાયતમાં 1985માં દેવેન્દ્રસિંહ વિજયસિંહ પરમાર બાંધકામ શાખામાં વર્ક આસિ. તરીકે જોડાયા હતાં અને તા. 31-5-21ના રોજ નિવૃત્ત થયા હતા. વર્ષ 2005થી 2015 સુધીના 10 વર્ષના નોકરીના ગાળાને ચેક પિરીયડ ગણી ખાનગી અરજી અનુસંધાને 2016-17માં પોલીસ તપાસ શરુ કરવામાં આવી હતી.
ગોકળગાયની ગતિએ ચાલતી તપાસ 2016થી આરોપી 2021માં નિવૃત્ત થયા ત્યાં સુધી જુદા જુદા ચાર એસીબીના અધિકારીઓેએ તપાસ ચાલુ રાખી હતી જે દરમિયાન અરજદારની અને તેના પરિવાના સભ્યોના નામે આવેલ તમામ સ્થાવર જંગમ મિલકતો અંગે 5 વર્ષ સુધી તપાસ ચાલુ રહી હતી. પરંતુ આરોપી નોકરીમાં હતા ત્યાં સુધી તપાસ અંગે ગુનો નોંધવામાં આવેલ ન હતો.
આરોપી નિવૃત્ત થયા બાદ આરોપીએ 10 વર્ષના સમયગાળામાં તેની આવક કરતાં 45.38 મિલકતો અપ્રમાણસર રીતે પ્રાપ્તિ કરી છે. તેવા આક્ષેપ સાથે રૂા. 24,77,235ની અપ્રમાણસર મિલકતો ધરાવતા હોવાના આક્ષેપ સાથે આરોપી નિવૃત્ત થયા બાદ ગુનો દાખલ કરવામાં આવેલો આરોપી સામે ગુનો દાખલ થતાં આરોપીએ આગોતરા જામીનો મેળવવા જામનગર સેશન્સ અદાલતમાં અરજી કરેલી જે નામંજૂર થતાં વકીલ વી.એચ. કનારા મારફત ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી.
આ અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીએ 1985થી 2021 સુધી 36 વર્ષ જેટલો સભ્ય જામનગર જિલ્લા પ:ચાયતમાં કર્મચારી તરીકે ફરજ બજાવી છે. આરોપી ખેડૂત પરિવારના સભ્યો છે. ફરજ દરમિયાન કર્મચારી મંડળના પદાધિકારી તરીકે જિલ્લાના વડા અધિકારીઓ સમક્ષ કર્મચારીના પ્રશ્ર્નને રજૂઆત કરતા રહ્યાં છે. એક અધિકારી નાખુશ થતાં તેના ઇશારે કરવામાં આવેલી અરજીના આધારે એસીબી પોલીસે 5 વર્ષ સુધી અરજીઓની તપાસ ચાલુ રાખી હતી. આ સમગ્ર તપાસ દરમિયાન અનેક વખત આરોપી અને પરિવારના સભ્યોના નિવેદનો નોંધવામાં આવેલા છે. પરંતુ કેસના સંજોગો જોતા આ કિસ્સામાં પ્રોસિકયુકેશનની મંજૂરી મળી શકે તેવા સંજોગો ન હતો.
આથી એસીબી પોલીસે નિવૃત્ત થયેલ કર્મચારી સામેના કેસમાં પ્રોસિકયુશનની મંજૂરીની કાનૂની જરુર રહે નહીં તે બાબત ધ્યાને લઇને આરોપી નિવૃત્ત થયા બાદ હાલની ફરિયાદ કરી છે. એસીબી પોલીસે આ રીતે રમત રમી શકે નહીં. આરોપીએ હંમેશા તપાસમાં સહકાર આપ્યો છે. આ સંજોગોમાં આરોપીને આગોતરા જામીન આપવા જોઇએ. ઉભયપક્ષની રજૂઆતો બાદ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ નિખીલ કરીયલે કેસના સંજોગોને ધ્યાને લઇને 5 વર્ષ જેટલા લાંબા સમય બાદ કરવામાં આવેલી ફરિયાદની હકીકત ધ્યાને લઇને આરોપીના આગોતરા જામીન મંજૂર કર્યા હતાં. આરોપી તરફે વકીલ વી.એચ. કનારા રોકાયા હતાં.