વિક્રમ સં. 2079 નવા વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ આવતીકાલે સમગ્ર ભારતમાં જોવા મળશે. જે ગ્રહણ જામનગરમાં નભો મંડળમાં સાંજે 6ને 07 મિનિટથી 7ને 26 મિનિટ સુધી નરી આંખે નિહાળી શકાશે અને ત્યારબાદ મોક્ષ થઇ જશે.
ભારતમાં અને જામનગર શહેરમાં ચંદ્રઉદય થાય તે પહેલા ગ્રહણનો સ્પર્શ અને મધ્યપૂર્ણ થઇ જશે. ચંદ્રઉદય થયા પછી થોડી ક્ષણોમાં ગ્રહણ મોક્ષ થઇ જશે. એટલે ગ્રહણનો માત્ર મોક્ષ જોઇ શકાશે.
જામનગર શહેર માટે ચંદ્ર ઉદયનો સમય સાંજે 6.07 કલાકનો છે અને મોક્ષનો સમય 7:26નો રહેશે. એટલે થોડા સમય માટે આ ચંદ્રગ્રહણને ચંદ્ર ઉગતા સમયે પૂર્વક્ષિતિજ ઉપર જોઇ શકાશે. આ વખતે પૃથવીનો પડછાયો ચંદ્રના ખૂબ નાનાભાગને અવરોધતો હોવાથી ચંદ્રનો માત્ર 14.5 ટકા ભાગ કાળો થયેલો જોવા મળશે.
જામનગરની સંસ્થા ખોગળ દ્વારા આકાશીય ઘટનાઓના સંદર્ભે જાહેર નિદર્શનના કાર્યક્રમો રાખવામાં આવતાં હોય છે. પરંતુ હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આચારસંહિતાનો અમલ ચાલી રહ્યો છે. ત્યારે એકથી વધુ લોકો એકત્ર ન થાય તે માટે જાહેરમાં નિદર્શનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. ચંદ્રગ્રહણ સમયે કોઇપણ ખગોળપ્રેમીઓએ વિસ્તૃત જાણકારી મેળવવા ખગોળવિદ કિરીટભાઇ શાહ મો. 94269 16681 તેમજ અમિતભાઇ વ્યાસ મો. 99783 19080 પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકાશે.
આ વર્ષે કુલ પાંચ ગ્રહણ થશે. જે પૈકી હવે પછી એકમાત્ર ચંદ્રગ્રહણ તા. 28, 29 ઓકટોબર-2023ના રોજ જોવા મળશે. તેવું ખગોળ મંડળના કિરીટભાઇ શાહે યાદીમાં જણાવ્યું હતું.