વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત જામનગર જિલ્લામાં ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા સમયે તેમના ટેકેદારો અને વાહનો સાથે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં જશે ત્યારે ભારતના ચૂંટણીપંચની સૂચના અનુસાર ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીના 100 મીટરના વિસ્તારમાં કોઈપણ સંજોગોમાં 3 કરતાં વધુ વાહનો રાખવા કે હંકારવાની મંજૂરી મળવાપત્ર નથી. જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન. ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, સમગ્ર જામનગર જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અન્વયે ઉમેદવારોએ ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાના વાહનો માટે સક્ષમ સત્તાધિકારી પાસેથી પરવાનગી મેળવી લેવાની રહેશે તથા તેને સંબંધિત વાહનોના વિન્ડ સ્ક્રીન પર બહારથી જોઈ શકાય તે રીતે પ્રદર્શિત કરવાની રહેશે.
ચૂંટણી પ્રચાર માટે પરવાનગી મેળવેલ વાહનોનું કોનવોયમાં ઉપયોગ કરવાના કિસ્સામાં ભારતના ચૂંટણીપંચની છેવટની સૂચના મુજબ ઉપયોગ કરવાનો રહેશે. ઉમેદવારો કે તેની દરખાસ્ત કરનારાઓ ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી કચેરીના 100 મીટરના વિસ્તારમાં કોઈપણ સંજોગોમાં 3 કરતાં વધુ વાહનો રાખી કે હંકારી શકશે નહીં.
આ હુકમ તમામ પ્રકારના સરકારી, અર્ધ સરકારી વાહનો કે રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ કે જેમને ઝેડ પ્લસ સુરક્ષા પૂરી પાડવામાં આવતી હોય અથવા જેમની જીંદગીને ત્રાસવાદીઓની ધમકીના કારણે જોખમ હોય, તેમને પૂરી પાડવામાં આવેલ સુરક્ષા વ્યવસ્થા માટેના વાહનો કોનવોયના વાહનોની ગણતરીમાંથી બાકાત રહેશે. આ હુકમ તા. 10/12/2022 સુધી અમલમાં રહેશે. હુકમનું ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે, તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન. ખેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
વિધાનસભા સામાન્યુ ચૂંટણી-2022 અંતર્ગત જામનગર જિલ્લામાં આગામી તા.1-12-2022 ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરવા સમયે તેમના ટેકેદારો અથવા દરખાસ્ત કરનારા અને અન્ય ચાર વ્યક્તિઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓને જ વાહનો સાથે ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ મળી શકશે. પાંચ કરતા વધુ વ્યક્તિઓના પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી. એન. ખેર દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ ઉમેદવારી પત્ર રજૂ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના 100 મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો એક સાથે પ્રવેશી શકશે. આ આદેશોનો અમલ તા. 3 નવેમ્બરથી તા. 10 ડિસેમ્બર સુધી કરવાનો રહેશે. જે જામનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ થશે. આ હુકમ સરકારી,અર્ધસરકારી કર્મચારીઓ અને અધિકારીઓને લાગુ પડશે નહિ. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. તેમ જામનગર જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરેલા હુકમમાં જણાવ્યુેં છે.