દ્વારકા જિલ્લાના પ્રાથમિક તથા માધ્યમિક વિભાગમાં શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા બી.એચ. વાઢેરની બદલી જુનાગઢ ખાતે કરવામાં આવી છે. તેમના સ્થાને અગાઉ અહીં ફરજ બજાવી ચૂકેલા એસ.જે. ડુમરાણીયાને મૂકવામાં આવ્યા છે. નવેમ્બર 2017 થી ઓક્ટોબર 2022 સુધી પાંચ વર્ષના સમયગાળા દરમિયાન દ્વારકા જિલ્લાના પ્રાથમિક તથા માધ્યમિક વિભાગમાં શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવી ગયેલા ભાવસિંહ એચ. વાઢેરની શૈક્ષણિક તથા વહીવટી કામગીરી નોંધપાત્ર બની રહી હતી. કુશળ વહીવટકર્તા તેમજ સાથે શાંત સ્વભાવ ધરાવતા શિક્ષણ અધિકારી બી.એચ. વાઢેરની કાર્યશૈલી સમગ્ર જિલ્લાના શૈક્ષણિક વર્તુળોમાં નોંધપાત્ર બની રહી હતી. આ સાથે જિલ્લાનું શિક્ષણ સ્તર ઊંચું લાવવા તેમજ ભ્રષ્ટાચારથી વિમુખ રહી અને તટસ્થ અધિકારી તરીકે બી.એચ. વાઢેર દ્વારા એક પણ ગેરરીતી વગર બોર્ડની પરીક્ષાઓ સંપન્ન કરવા, ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં મહત્તમ સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા, જિલ્લાના પ્રાથમિક તથા માધ્યમિક વિગેરે વિભાગમાં શિક્ષકોની ભરતી ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષકોના વર્ષો જૂના રૂપિયા 65 લાખના જી.પી.એફ.ના ગુમ થયેલા ચેક પ્રકરણનો સફળતાપૂર્વક નિકાલ કરવા સાથે ડ્રોપ આઉટ રેસીયો વર્ષ 22-23 માં નીલ કરવાની સિદ્ધિ આ જિલ્લાના શિક્ષણવિદ્દો માટે અવિસ્મરણીય બની રહેશે.
જિલ્લા શિક્ષણ અધિકારી વાઢેરની બદલી થતા આ જિલ્લામાં નવા અધિકારી તરીકે પોરબંદરના એસ.જે. ડુમરાણીયાની નિમણૂક કરવામાં આવી છે. એસ.જે. ડુમરાણીયા અગાઉ આ જિલ્લામાં ફરજ બજાવી ગયા હતા અને ગુટલીબાજ શિક્ષકો સામે કડક કાર્યવાહી કરી રાજ્યમાં રેકોર્ડરૂપ કામગીરી કરી હતી. આટલું જ નહીં, જિલ્લામાં શાળાઓની આકસ્મિક મુલાકાતો લઈ અને સ્થાનિક તંત્રને દોડતું રાખ્યું હતું. જામનગર ઉપરાંત બોટાદ જિલ્લામાં પણ તેમના દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. હાલ પોરબંદર જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં રહેલા એસ.જે. ડુમરાણીયાને પુન: દ્વારકા જિલ્લામાં મૂકવામાં આવતા તેમના આગમનથી ગુટલીખોર શિક્ષકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.