જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આધાર લિંક સાથે મોબાઇલફોન ના માધ્યમથી મતદારોને જોડવા માટેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલી ફટાકડા બજારમાં પણ સ્ટોલ ઉભો કરીને ફટાકડાની ખરીદી માટે આવનારા નાગરિકો સ્થળ પર જ આધાર લિંક સાથેનું જોડાણ કરાવશે, તે મતદાર નાગરિકને ફટાકડાની ખરીદી પર પંદર ટકા નું ડિસ્કાઉન્ટ પણ અપાશે. જે અંગેનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે.
જામનગર જિલ્લામાં તારીખ ૧.૧૦.૨૦૨૨ ની લાયકાત સંદર્ભે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો, જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાદ જામનગર જિલ્લા ના વહીવટી તંત્ર દ્વારા આધાર લિંક અંગે વધુમાં વધુ લોકો સહભાગી થાય, તેના અનુસંધાને જામનગરના જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધી, અધિક કલેકટર બી.એન. ખેર, તથા શહેર વિભાગના પ્રાંત અધિકારી ડી.ડી.શાહ દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે.
જામનગરના પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલી ફટાકડા બજાર ના સ્થળે મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંગે નો વિશેષ સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે, જ્યાં તારીખ ૨૧.૧૦.૨૦૨૨ થી ૨૪.૧૦.૨૦૨૨ સુધી ચાર દિવસ માટે સાંજે ૫.૩૦. થી રાત્રે ૧૦.૩૦ વાગ્યા સુધી ફટાકડાની ખરીદી માટે આવનારા નાગરિકો ચૂંટણી કાર્ડ સાથે પોતાના આધાર લિંકની સુવિધા મેળવશે, તે તમામ મતદારોને સ્થળ પર જ આધાર લિંક કરાવી આપ્યા પછી તેઓને ફટાકડા ની ખરીદી ઉપર ૩૪ નંબરના સ્ટોલમાંથી ૧૫ ટકા નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
જેનો બહોળી સંખ્યામાં મતદારોએ લાભ લેવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
આ ઉપરાંત તે જ સ્થળેથી મતદારો ‘વીવીપેટ’ મશીન મારફતે કઈ રીતે મતદાન કરી શકે, તે અંગેનું નિદર્શન પણ રાખવામાં આવ્યું છે, જેની પણ મતદારોને સમજ અપાશે, અને રિહર્સલ કરી શકાશે.
સાથોસાથ સેલ્ફી પોઇન્ટ પણ ઊભા કરાયા છે, જેથી કોઈપણ મતદાર સેલ્ફી પોઇન્ટ ના સ્થળે ઊભા રહીને મતદાન જાગૃતિ માટે ના પોતાના મોબાઈલ ફોન મારફતે અથવા તો સોશિયલ મીડિયા મારફતે સંદેશા વહેતા કરી શકે, તે અંગેની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. જેમાં પણ સૌ નગરના મતદારોએ જોડાવા માટેની વહીવટી તંત્ર દ્વારા અપિલ કરવામાં આવી છે. શહેરની પ્રાંત અધિકારી ની કચેરીના ભુપેન્દ્રસિંહ જાડેજા સમગ્ર વ્યવસ્થા સંભાળી રહ્યા છે.