જામનગર તાલુકાના જાંબુડા ગામના પાટીયા નજીક રાજકોટ તરફ જતી બોલેરો કારનું ટાયર ફાટતા આ ટાયર બદલાવતા હતાં ત્યારે પાછળથી પૂરઝડપે બેફીકરાઈથી આવતી પેસેન્જર બસના ચાલકે બોલેરોને ઠોકર મારતા પલ્ટી ખાઈ જઇ ખાડામાં ખાબકી હતી. જો કે, સદનસીબે કોઇ ઈજા કે જાનહાની થઈ ન હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ચોખંડા ગામમાં રહેતાં શૈલેષ ગોજિયા નામનો યુવક તેના ગામથી રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ચોખાનો ફેરો કરવા જીજે-25-યુ-4078 નંબરની બોલેરોમાં જતો હતો ત્યારે જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે પહોંચ્યો ત્યારે બોલેરોનું પાછળનું ટાયર ફાટયું હતું. જેથી યુવક બોલેરો રોડની સાઈડમાં ઉભી રાખી બપોરના સમયે પાછળનું ટાયર બદલાવતો હતો. તે જ દરમિયાન પાછળથી પૂરઝડપે બેફીકરાઈથી આવતી જીજે-16-એયુ-3762 નંબરની પેસેન્જર બસના ચાલકે બોલેરોને ઠોકર મારતા કાર પલ્ટી ખાઈ બાજુની ખાઇમાં ખાબકી હતી. જો કે, સદનસીબે આ અકસ્માતમાં કોઇને ઈજા કે જાનહાની થઈ ન હતી. પરંતુ બોલેરો કારમાં નુકસાન ઘણું થયું હતું. બનાવ અંગેની જાણ કરતા હેકો એચ.જી.જાડેજા તથા સ્ટાફે શૈલેષના નિવેદનના આધારે નડિયાના બસ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.