Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરરાજ્યમાં અધિકારીઓની ધડાધડ બદલીઓ છતાં જામ્યુકોમાં નાયબ અને આસી. કમિશનરની નિમણૂંક કેમ...

રાજ્યમાં અધિકારીઓની ધડાધડ બદલીઓ છતાં જામ્યુકોમાં નાયબ અને આસી. કમિશનરની નિમણૂંક કેમ નહીં ?

- Advertisement -

ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે તેમ-તેમ રાજ્ય સરકાર દ્વારા જુદાં-જુદાં વિભાગોમાં અધિકારીઓની ધડાધડ બદલીઓ કરવામાં આવી રહી છે. આઈ.એ.એસ.થી માંડીને વર્ગ 2 સુધીના અધિકારીઓની બદલીના મોટાપાયે ઘાણવા કાઢવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા આટઆટલી બદલીઓ છતાં જામનગર મહાપાલિકામાં ખાલી પડેલી નાયબ કમિશનર અને આસી. કમિશનરની જગ્યાઓ પર નિમણૂંક કેમ કરવામાં નથી આવતી ? તેને લઇને આશ્ચર્ય સર્જાયું છે.
છેલ્લાં કેટલાંક સમયથી ગેસ કેડરના સંખ્યાબંધ અધિકારીઓની બદલી એક જગ્યાએથી બીજી જગ્યાએ કરવામાં આવી રહી છે. પરંતુ, કોઇકારણોસર જામનગર મહાનગરપાલિકામાં લગભગ છેલ્લાં ત્રણેક મહિનાથી નાયબ કમિશનર અને આસી. કમિશનરની બદલી થયા બાદ આ બન્ને જગ્યાઓ ખાલી છે. જેના પર હજુ સુધી કોઇપણ નવા અધિકારીને નિમણૂંક આપવામાં આવી નથી. પરિણામે પહેલેથી જ વધુ પડતા કામનો બોજ વહન કરી રહેલા અધિકારીઓ પર આ બન્ને જગ્યાનો વધારાનો બોજ લાગી દેવામાં આવ્યો છે. જેની સીધી અસર જામ્યુકોના વહીવટ પર સ્પષ્ટ રીતે જણાઈ રહી છે. અહીં પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે, રાજ્ય સરકાર દ્વારા જથ્થાબંધ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી રહી છે. તો જામ્યુકોની આ બન્ને ખાલી જગ્યાઓ પર નિમણૂંકો શા માટે નથી આપવામાં આવતી ? શું સ્થાનિક સતાધિશો ઈચ્છુક નથી ? કે રાજ્ય સરકાર ઈચ્છુક નથી ? આ બન્ને જગ્યાઓ અંગે એવું કહેવામાં આવે છે કે, જામનગર મહાનગરપાલિકામાં કામ કરવા માટે ગેસ કેડરના કોઇ અધિકારીને રસ નથી ? તો શું અધિકારીના રસ મુજબ અહીં નિમણૂંક આપવાની છે ? રાજ્યમાં પોતાની જ સરકાર હોવા છતાં અને બબ્બે સક્ષમ ધારાસભ્યો કે જેઓ મંત્રીપદ પણ ભોગવી ચૂકયા છે તેઓ પણ જામ્યુકોની આ બન્ને મહત્વની જગ્યાઓ પર કોઇ અધિકારીની નિમણૂંક કેમ નથી કરાવી શકતા ? શું જામ્યુકોના સત્તાધિશોએ આ માટે કોઇ પ્રયાસો કર્યા છે ખરા ? શું સરકારમાં રજૂઆત કરવામાં આવી છે ? જો રજૂઆત કરી હોય તો નિમણૂંક કેમ નથી થતી ? તે પણ એક વિચારણીય પ્રશ્ન છે. કે પછી જામ્યુકોના સત્તાધિશો જ નથી ઈચ્છતા કે આ જગ્યા પર કોઇ નાયબ કલેકટર કક્ષાના અધિકારીની નિમણૂંક થાય!

- Advertisement -

ચૂંટણી આચારસંહિતા લાગુ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જો આ દિવસોમાં જામ્યુકોની આ બન્ને જગ્યાઓ પર કોઇ અધિકારીની નિમણૂંક નહીં થાય તો એ વાત નકકી છે કે આગામી ત્રણ-ચાર મહિના સુધી અહીં કોઇ અધિકારી આવશે નહીં. જો જામ્યુકોના સત્તાધિશો ખરેખર ઈચ્છતા હોય કે બન્ને ખાલી જગ્યાઓ પર કોઇ સારા અધિકારીની નિમણૂંક કરવામાં આવે તો તેમણે ગંભીરતાપૂર્વક પક્ષની નેતાગીરીને સાથે રાખીને રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવી જોઈએ. જો અસરકારક રજૂઆત થાય તો બચેલા દિવસોમાં નિમણૂંક થઈ શકે છે અન્યથા હાલના અધિકારીઓએ જ વધારાનો કાર્યબોજ વેંઢારવો પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular