જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવી છે. સોમવારે રાત્રે થયેલા આતંકવાદી હુમલામાં યુપીના બે મજૂરોના મોત થઈ ગયા છે. મૃતક મજૂર મુશીર કુમાર અને રામ સાગર બંને કન્નૌજ જિલ્લાના રહેવાસી હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આતંકવાદીઓએ મોડી રાત્રે સૂતી વખતે ગ્રેનેડથી હુમલો કર્યો હતો. હુમલાની માહિતી બાદ કાશ્મીર પોલીસે ઘેરાબંધી કરી લીધી છે અને લશ્કરના એક આતંકવાદીની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ધરપકડ કરાયેલા આતંકવાદીએ હુમલાની કબૂલાત કરી છે. આ પહેલો મામલો નથી જ્યારે ઉત્તર ભારતીયો અને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવીને મારવામાં આવ્યા હોય. ત્રણ દિવસ પહેલા જ એક કાશ્મીરી પંડિતની હત્યા કરવામાં આવી હતી.
ADGP કાશ્મીર ઝોન વિજય કુમારે જણાવ્યું કે, એલઈટીના આતંકવાદી ઈમરાન બશીર ગનીએ શોપિયાં વિસ્તારના હરમનમાં ગ્રેનેડથી હુમલો કર્યો હતો જેમાં બે મજૂરો માર્યા ગયા છે. પોલીસે ઈમરાન બશીરની ધરપકડ કરી લીધી છે અને આ કેસમાં તપાસ અને દરોડા ચાલુ છે. બે દિવસ પહેલા ઘાટીમાં એક કાશ્મીરી પંડિતની હત્યા કરવામાં આવી હતી. આ પછી ફરીથી બે બહારી મજૂરોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઘાટીમાં સક્રિય આતંકવાદીઓ છેલ્લા કેટલાક મહિનાઓથી જમ્મુ-કાશ્મીરમાં અન્ય રાજ્યોમાંથી રહેતા લોકો પર સતત હુમલા કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના બે મજૂરોની હત્યા બાદ તરત જ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો અને હુમલાખોરોની શોધમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સુરક્ષા દળોને ગામમાંથી જ એક આતંકીને પકડવામાં સફળતા મળી છે.
ન્યાય નહીં મળે ત્યાં સુધી હત્યા થતી રહેશે : અબ્દુલ્લા
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ સોમવારે ટાર્ગેટ કિલિંગ અંગે નિવેદન આપ્યું હતું, તેમણે જણાવ્યું હતું કે ભાજપ અગાઉ એવા દાવા કરી રહી હતી કે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હોવાને કારણે ટાર્ગેટ કિલિંગ થઇ રહ્યું છે. હાલ તો 370 હટાવી લેવાઇ છે, તો હજુ પણ કેમ આ પ્રકારના હુમલા થઇ રહ્યા છે તેવો સવાલ ફારૂક અબ્દુલ્લાએ કર્યો હતો.
જમ્મુ કાશ્મીરના નેતા ફારૂક અબ્દુલ્લા હાલ રીઆસી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, અહીંયા તેઓએ પત્રકારોની સાથે વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. જ્યારે પત્રકારોએ તેમને જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને અન્યોનું જે ટાર્ગેટ કિલિંગ થઇ રહ્યું છે તે અંગે સવાલ કર્યો તો તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં થાય ત્યાં સુધી ટાર્ગેટ કિલિંગ પણ નહીં અટકે. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યાને ચાર વર્ષ વીતી ગયા હોવા છતા ઘાટીમાં લોકોની હત્યાઓ કરવામાં આવી રહી છે.