જામનગર શહેરના લીમડાલાઈન વિસ્તારમાં રહેતાં દરજીના મકાનમાંથી અજાણ્યા તસ્કરોએ તાળા તોડી રૂમમાં પ્રવેશ કરી સોનાનો ચેઈન, કાનની બુટી, કાનની કળી સહિત રૂા.82 હજારના દાગીનાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના લીમડાલાઈન શેરી નં.1માં દાવડા મેન્સનમાં રહેતા અને દરજીકામ કરતા ભાવેશભાઈ પરષોતમભાઈ રાઠોડ નામના યુવાનનું મકાન શનિવારથી રવિવાર સવાર સુધી બંધ હતું તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવી મુખ્ય દરવાજાના તાળા તોડી રૂમમાં પ્રવેશ કરી કબાટના લોકરમાં રાખેલા રૂા.50 હજારની કિંમતનો દોઢ તોલાનો સોનાનો ચેઈન, રૂા.20 હજારની કિંમતની પાંચ ગ્રામ સોનાની કાનની કળી અને રૂા.12 હજારની કિંમતની 3 ગ્રામ સોનાની બુટી મળી કુલ રૂા.82 હજારની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ગયા હતાં. બીજે દિવસે સવારે ચોરી થયાની જાણ ભાવેશભાઈ દ્વારા કરાતા પીએસઆઇ બી.બી.કોડીયાતર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.