જામનગરની યુવતીને ઈન્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજમાં બદનામ કરવા માટેની નિમ્ન કક્ષાની પોસ્ટ મૂકનાર છત્તીસગઢમાં રહેતા તેના પૂર્વ મંગેતર સામે આઇટી એકટ હેઠળ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. યુવતીનું સગપણ આરોપી સાથે થયા પછી તૂટી ગયું હતું. ત્યારબાદ ફરીથી પોતાના સંબંધ ચાલુ રાખવા માટે જુદી જુદી પોસ્ટ મુકી બદનામ કરવા માટે પરેશાન કર્યાનું સામે આવ્યું છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત મુજબ, જામનગરની 29 વર્ષની યુવતી કે જેનું સગપણ અગાઉ છત્તીસગઢના વતની એવા રંજીતપાલ જગદેવપાલ ગડરીયા સાથે થયું હતું. પરંતુ કોઇ પણ કારણસર બન્ને વચ્ચેનું સગપણ તૂટી ગયું હતું. અને યુવતીએ સંબંધો તોડી નાખ્યા હતાં. પરંતુ પૂર્વ મંગેતર રંજીતપાલ પોતાના સંબંધો ચાલુ રાવા માંગતો હતો. જેથી વારંવાર તેણીને તથા તેના ભાઈને ફોન કરીને હેરાન પરેશાન કરતો હતો. અને ગાળો પણ ભાંડતો હતો. તેમજ પોતાની સાથે સંબંધ ફરીથી નહીં રાખે તો સોશિયલ મીડિયાના માધ્યમથી બદનમા કરવાની ચિમકીઓ આપી હતી. ત્યારબાદ તેણે ઈન્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયાના માધ્યમ પર અગાઉના સગપણના ફોટાઓ સાથે અપમાનજનક અને આપતિઓ વાળા લખાણ લખીને ફોટાઓ વાયરલ કર્યા હતાં. જેથી યુવતી દ્વારા પોલીસ મથકમાં જાણ કરતા પીએસઆઈ એચ.ડી.હિંગરોજા તથા સ્ટાફે ફરિયાદ નોંધી તપાસનો દોર છતીસગઢ સુધી લંબાવ્યો છે.